Hero Ethanol Bike Launch: ભારતીય ઓટોમોબાઈલ ક્ષેત્રે આજે એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. દેશની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપની હીરો મોટોકોર્પ આજે એટલે કે ૩ જૂન 20cached6ના રોજ પોતાની પ્રથમ ફ્લેક્સ-ફ્યુઅલ બાઇક લોન્ચ કરવા જઈ રહી છે. આ લોન્ચિંગ સાથે જ વાહન ચાલકોને મોંઘા પેટ્રોલમાંથી મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે. આ ખાસ લોન્ચિંગ ઇવેન્ટમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી અને કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે.
કયા મોડલ પર આધારિત હશે આ નવી બાઇક?
ઓટો ઈન્ડસ્ટ્રીના અહેવાલો મુજબ, હીરો મોટોકોર્પે હજુ સુધી આ નવી મોટરસાઇકલના નામ, એન્જિન સ્પેસિફિકેશન કે અન્ય ટેકનિકલ વિગતો જાહેર કરી નથી. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આ બાઇક કંપનીની લોકપ્રિય એચએફ ડિલક્સ અથવા ભારતમાં સૌથી વધુ વેચાતી સ્પ્લેન્ડર પર આધારિત હોઈ શકે છે. જાન્યુઆરી 2025માં યોજાયેલા ‘ભારત મોબિલિટી એક્સપો’ દરમિયાન કંપનીએ ‘HF Deluxe Flex-Fuel’નું પ્રોટોટાઈપ મોડલ પ્રદર્શિત કર્યું હતું, જેથી તે લોન્ચ થવાની શક્યતા વધુ છે. બીજી તરફ, સ્પ્લેન્ડરના વિશાળ ગ્રાહક વર્ગને ધ્યાનમાં રાખીને કંપની સ્પ્લેન્ડર પ્લેટફોર્મ પણ પસંદ કરી શકે છે.
શું છે ફ્લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી અને તેના ફાયદા?
આ નવી બાઇકની સૌથી મોટી ખાસિયત એ છે કે તે E20 (20% ઇથેનોલ અને 80% પેટ્રોલ) થી લઈને E100 એટલે કે 100% શુદ્ધ ઇથેનોલ (Ethanol) મિશ્રિત બળતણ પર ચાલી શકશે. ઇથેનોલ એ બાયો-ફ્યુઅલ છે જે સ્થાનિક સ્તરે ખેતપેદાશોમાંથી બને છે, જેના કારણે તે પેટ્રોલ કરતા ઘણું સસ્તું પડશે.
એન્જિન અને ડિઝાઇનમાં મહત્ત્વના ફેરફાર
આ બાઇકની ડિઝાઇન સામાન્ય મોડલ જેવી જ રહેશે, પરંતુ ઇથેનોલના ઉપયોગ માટે તેના એન્જિન અને ફ્યુઅલ સિસ્ટમ માં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. ઇથેનોલના કારણે કાટ ન લાગે તે માટે એન્જિનમાં ખાસ કાટ-પ્રતિરોધક પાર્ટ્સ, અપગ્રેડેડ ફ્યુઅલ ઇન્જેક્ટર, સ્પેશિયલ ફ્યુઅલ પંપ અને નવી ઇસીયુ મેપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી બાઇકની પરફોર્મન્સ અને માઇલેજ જળવાઈ રહે.
કેટલી હશે કિંમત?
વધારાના હાર્ડવેર અને એન્જિનિયરિંગ ફેરફારોને કારણે આ ફ્લેક્સ-ફ્યુઅલ બાઇકની કિંમત સામાન્ય પેટ્રોલ મોડલ કરતાં રૂ. 5,000 થી 10,000 વધુ હોઈ શકે છે. જો આ બાઇક HF Deluxe પર આધારિત હશે તો તેની એક્સ-શોરૂમ કિંમત આશરે રૂ. 65,000 થી 80,000 અને જો Splendor પર આધારિત હશે તો રૂ. 80,000 થી 95,000 ની વચ્ચે હોઈ શકે છે.














