Gujarat24

અમદાવાદની વિઝા એજન્સીનું મોટું કૌભાંડ: લંડન પહોંચતા જ ભાંડો ફૂટ્યો! વર્ક વિઝાના નામે કરોડોનું ફૂલેકું!

Share On :

Work Visa Scam

London Work Visa Scam: વિદેશ જવા ઈચ્છતા યુવાનોને ટાર્ગેટ કરીને લાખો રૂપિયા પડાવતી બોગસ વિઝા એજન્સીઓનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં સુરત અને અમદાવાદ (Ahmedabad) વચ્ચે વિઝા ફ્રોડનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં લંડન (London) ના વર્ક અને સ્ટુડન્ટ વિઝા અપાવવાના બહાને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવવામાં આવ્યું છે. અમદાવાદની એક જાણીતી વિઝા એજન્સીએ સુરતના એક સ્થાનિક એજન્ટ અને અન્ય 7 ગ્રાહકો સાથે મળીને કુલ રૂ. 1.17 કરોડની છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. આ કૌભાંડનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે આ એજન્સી થકી લંડન પહોંચેલી એક મહિલા ત્યાં જઈને અટવાઈ પડી હતી.

લંડન પહોંચતા જ મહિલા સાથે થઈ છેતરપિંડી, આ રીતે ફૂટ્યો ભાંડો
મળતી માહિતી મુજબ, મયુરીબેન હપાની (Mayuriben Hapani) નામના મહિલા આ એજન્સી મારફતે લંડન ખાતે પહોંચ્યા હતા. લંડન પહોંચીને જ્યારે તેઓ વિઝાના આધારે નક્કી કરેલી કંપનીમાં નોકરી (Job) માટે ગયા, ત્યારે ત્યાંના સત્તાધીશોના જવાબથી તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કંપની તરફથી સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે, “અમે આવી કોઈ જોબ માટે તમને બોલાવ્યા નથી. આ માત્ર વિઝિટર વિઝા છે, જોબ માટે તમારા એજન્ટને પૂછો.” લંડન જેવા અજાણ્યા શહેરમાં નોકરી ન મળતા અને વિઝિટર વિઝા હોવાની ખબર પડતા જ મહિલા ત્યાં ભારે મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને અટવાઈ પડી હતી.

રૂપિયા પરત માંગતા વાયદા કર્યા અને અંતે રવાણી પરિવાર ફરાર
આ તરફ લંડનમાં ભાંડો ફૂટતા જ સુરતના સ્થાનિક એજન્ટ અશ્વિન માયાની (Ashwin Mayani) અને લંડન ગયેલી મહિલાએ પોતાના કરોડો રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી હતી. જોકે, અમદાવાદની એજન્સીના સંચાલકોએ રૂપિયા પાછા આપવાના બદલે ગલ્લા-તલ્લાં કરી વાયદાનો વેપાર શરૂ કર્યો હતો. લાંબો સમય વીતવા છતાં રૂપિયા પરત ન મળતા આખરે અશ્વિન માયાનીએ સુરતના કાપોદ્રા (Kapodra) પોલીસ મથકમાં આ મામલે વિધિવત ફરિયાદ નોંધાવી છે.

આ આખા કૌભાંડ પાછળ અમદાવાદના બોપલ (Bopal) વિસ્તારમાં આવેલી ‘ફ્લાય ઓવર ઈન્ટરનેશનલ’ (Fly Over International) એજન્સીના સંચાલકો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ગુનો દાખલ થતાં જ એજન્સી ચલાવતો રવાણી પરિવાર (Ravani Family) રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસે હાલમાં રવાણી પરિવારના પિતા, પત્ની, પુત્ર સહિત પુત્રવધૂ સામે ગુનો નોંધીને તેઓને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.