Changodar Youth Attack: અમદાવાદના માધુપુરા વિસ્તારમાંથી એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલી વાતચીતનો અંજામ હત્યાના પ્રયાસ સુધી પહોંચી ગયો છે. ચાંગોદર (Changodar) ના એક ખેડૂત યુવકને માધુપુરાની એક યુવતીએ મેસેજ કરીને મળવા બોલાવ્યો હતો. જો કે, યુવક ત્યાં પહોંચતા જ યુવતીના પતિ અને તેના મિત્રએ તેને ઘેરી લીધો હતો અને પાર્કિંગમાં લઈ જઈને ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ હિંસક હુમલા અંગે યુવકે માધવપુરા પોલીસ સ્ટેશન (Madhavpura Police Station) માં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
અગાઉ આશ્રમરોડ પર પણ થઈ હતી મારપીટ
મળતી માહિતી મુજબ, ચાંગોદરમાં રહીને ખેતીકામ કરતા યુવક પર આશરે ૧૫ દિવસ પહેલા એક અજાણી યુવતીનો મેસેજ આવ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે વોટ્સએપ (WhatsApp) અને નોર્મલ મેસેજથી વાતચીત શરૂ થઈ હતી. ચાર દિવસ પહેલા યુવતીના કહેવાથી યુવક તેને મળવા માટે અમદાવાદના આશ્રમરોડ (Ashram Road) ખાતે આવ્યો હતો. બંને ત્યાં ભેગા થયા જ હતા કે અચાનક યુવતીનો પતિ તેના મિત્ર સાથે ત્યાં ધસી આવ્યો હતો અને બંનેએ યુવકને જાહેરમાં ઢોરમાર માર્યો હતો. તે સમયે યુવક જેમ-તેમ કરીને ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી છૂટ્યો હતો.
દુધેશ્વર રોડ પર ફરીથી બોલાવીને જીવલેણ હુમલો
આટલી મારપીટ થઈ હોવા છતાં, ગત ૨૫ મેના રોજ યુવતીએ ફરીથી યુવકને મેસેજ કર્યો હતો અને આ વખતે તેને દુધેશ્વર રોડ (Dudheshwar Road) પર મળવા માટે બોલાવ્યો હતો. યુવક પોતાની ટુ-વ્હીલર લઈને ત્યાં પહોંચી ગયો હતો. ત્યાં પહોંચતા જ યુવતીને બદલે તેનો પતિ અને તેનો મિત્ર સામે મળ્યા હતા. બંને શખ્સો યુવકને વાત કરવાના બહાને અંધારામાં એક પાર્કિંગમાં લઈ ગયા હતા. ત્યાં બંનેએ અચાનક ચપ્પુ કાઢીને યુવક પર હિંસક હુમલો કરી દીધો હતો. ચપ્પુના ઘા વાગવાને કારણે યુવક લોહીલુહાણ થઈ ગયો હતો.
લોકોએ યુવકને હોસ્પિટલ પહોંચાડ્યો, પોલીસ તપાસ શરૂ
બંને શખ્સો યુવકની હત્યા કરવાના ઈરાદે આવ્યા હતા, પરંતુ લોહીલુહાણ હાલતમાં પણ યુવકે હિંમત દાખવી અને બંને શખ્સોની પકડમાંથી ભાગીને જાહેર રોડ પર આવી પહોંચ્યો હતો. રોડ પર લોહીલુહાણ હાલતમાં યુવકને જોઈને આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ત્યાં ભેગા થઈ ગયા હતા. લોકોએ ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ મામલે હોસ્પિટલમાંથી જાણ થતાં માધવપુરા પોલીસે (Madhavpura Police) ઘાયલ યુવકની ફરિયાદના આધારે યુવતીના પતિ અને તેના મિત્ર સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.









