Gujarat24

યુદ્ધની અસર તમારા ખિસ્સા પર! હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા તેલના ભાવમાં ભડકો?

Share On :

Oil Import Bill

Transport Fuel India: વર્તમાન સમયમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે દરિયાઈ માર્ગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ વ્યૂહાત્મક માર્ગ બંધ થવાથી વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠાને માઠી અસર થઈ રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પેટ્રોલ અને ડીઝલનો અત્યંત સાવધાનીપૂર્વક અને કરકસરભર્યો ઉપયોગ કરવા અપીલ કરી છે. પીએમએ ભારપૂર્વક જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલતા સંઘર્ષ વચ્ચે ઇંધણની બચત કરવી એ રાષ્ટ્રહિતમાં અનિવાર્ય છે.

અર્થતંત્ર પર મોટું જોખમ
જો ભારત પેટ્રોલિયમ પેદાશોની આયાત પરની નિર્ભરતા ઘટાડશે, તો દેશનું વિદેશી હૂંડિયામણ બચશે. કાચા તેલના વધતા ભાવ અને નબળા પડતા રૂપિયાને કારણે ભારતનું આયાત બિલ સતત વધી રહ્યું છે. આ સ્થિતિ વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ લાવે છે અને દેશમાં મોંઘવારી (Inflation) વધવાનું જોખમ ઊભું કરે છે. સરકાર માને છે કે જો આપણે ઇંધણનો વપરાશ ઘટાડીશું, તો વૈશ્વિક કટોકટીની અસર ભારતીય અર્થતંત્ર (Indian Economy) પર ઓછી થશે.

તેલ વપરાશના ચોંકાવનારા આંકડા
સરકારી આંકડાઓ અનુસાર, ભારત દરરોજ અંદાજે 55 લાખ બેરલ એટલે કે 87.45 કરોડ લિટર તેલનો વપરાશ કરે છે. તેલના વપરાશમાં ભારત હવે અમેરિકા અને ચીન પછી વિશ્વમાં ત્રીજા સ્થાને છે. નોંધનીય છે કે ભારત તેની જરૂરિયાતનું લગભગ 85-88% કાચું તેલ (Crude Oil) અન્ય દેશો પાસેથી ખરીદે છે. નાણાકીય વર્ષ 2026 માં ભારતે તેલની આયાત પાછળ અંદાજે 134.7 અબજ ડોલરનો જંગી ખર્ચ કર્યો છે.

ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ઇંધણનો મહત્તમ વપરાશ
પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) ના રિપોર્ટ મુજબ, ભારતમાં સૌથી વધુ વપરાશ ડીઝલનો થાય છે, જે કુલ હિસ્સાના 37-39% છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ટ્રક, બસ અને ખેતીમાં થાય છે. જ્યારે પેટ્રોલનો હિસ્સો 14-16% છે, જેનો ઉપયોગ કાર અને બાઈક જેવા ખાનગી વાહનોમાં થાય છે. ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગો તેલના સૌથી મોટા ગ્રાહકો છે.

ભવિષ્યનો પડકાર અને વિકલ્પો
એવો અંદાજ છે કે વર્ષ 2045 સુધીમાં કુલ તેલ વપરાશમાં પેટ્રોલ-ડીઝલનો હિસ્સો 58% થી વધુ હશે. આ વધતી માંગને પહોંચી વળવા અને આયાત ઘટાડવા સરકાર હવે ઈલેક્ટ્રિક વ્હીકલ (Electric Vehicle) અને ફ્લેક્સ ફ્યુઅલ જેવા પર્યાય પર ભાર મૂકી રહી છે.