Gujarat Heatwave: ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સૂર્યનારાયણ જાણે આકાશમાંથી અગનગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગનચુંબી સપાટીએ પહોંચ્યો છે, જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યના 12 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીને પાર કરી ગયું છે, જ્યારે 3 મુખ્ય શહેરોમાં તો પારો 44 ડિગ્રીની ઉપર નોંધાયો છે.
સુરેન્દ્રનગર બન્યું ‘હોટ સ્પોટ’, પારો 45 ડિગ્રીએ પહોંચ્યો
સમગ્ર રાજ્યમાં અત્યારે સુરેન્દ્રનગર (Surendranagar) ગરમીનું કેન્દ્રબિંદુ બન્યું છે. અહીં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા તે રાજ્યનું સૌથી ગરમ શહેર જાહેર થયું છે. બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે અને લોકો ગરમીથી બચવા માટે ઘરમાં કે ઓફિસોમાં કેદ રહેવાનું પસંદ કરી રહ્યા છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધવાની અને 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
મુખ્ય શહેરોના તાપમાન પર એક નજર
રાજ્યના અન્ય શહેરોમાં પણ સ્થિતિ ગંભીર છે. અમરેલીમાં 44.5 ડિગ્રી અને રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં 44.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ઉત્તર ગુજરાતના ચાણસ્મામાં 44 ડિગ્રી સાથે આકરો તાપ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટમાં 43.7 ડિગ્રી અને પાટનગર ગાંધીનગરમાં પણ 43.7 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અકળાયા છે.
સંસ્કારી નગરી વડોદરામાં 43.6 ડિગ્રી, ડીસામાં 42.8 ડિગ્રી, અને દક્ષિણ ગુજરાતના સુરતમાં 42.2 ડિગ્રી તાપમાન રહ્યું છે. કચ્છના ભુજમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 41.8 ડિગ્રી, દાહોદમાં 41.6 ડિગ્રી અને વલસાડમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટની જાહેરાત
ગરમીના વધતા પ્રકોપને જોતા હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર , કચ્છ , ગાંધીનગર અને અમદાવાદમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીના કારણે હીટસ્ટ્રોકના કિસ્સાઓ વધવાની ભીતિ છે, તેથી તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે અપીલ કરવામાં આવી છે.






