Gujarat24

CM બનતા જ વિજયનો માસ્ટરસ્ટ્રોક: મહિલા સુરક્ષા અને નશામુક્તિ માટે લીધા મોટા નિર્ણય.

Share On :

Tamil Nadu Liquor Ban

Tamil Nadu News: પશ્ચિમ બંગાળની જેમ જ હવે તમિલનાડુમાં (Tamil Nadu) પણ નવી સરકાર અસ્તિત્વમાં આવતાની સાથે જ મુખ્યમંત્રી જોસેફ વિજય (Joseph Vijay) એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તરત જ તેમણે એક મોટો વહીવટી નિર્ણય લેતા રાજ્યભરમાં પૂજા સ્થાનો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડ પાસે કાર્યરત 717 સરકારી દારૂની દુકાનોને તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપ્યો છે.

બે સપ્તાહમાં અમલીકરણની સૂચના
મંગળવારે જારી કરાયેલા સત્તાવાર આદેશમાં અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે આગામી 2 અઠવાડિયાની અંદર મંદિરો, મસ્જિદો, ચર્ચો, શાળાઓ, કોલેજો અને બસ સ્ટેન્ડના 500 મીટરના દાયરામાં આવતી તમામ દારૂની દુકાનો બંધ કરી દેવી. આ દુકાનો તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા ચલાવવામાં આવે છે.

આંકડાકીય વિગત: કઈ જગ્યાએ કેટલી દુકાનો બંધ થશે?
સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્યમાં કુલ 4,765 દારૂની દુકાનો કાર્યરત છે. જેમાંથી 717 દુકાનોને ઓળખી કાઢવામાં આવી છે જે નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે અથવા સંવેદનશીલ વિસ્તારોમાં છે:

ધાર્મિક સ્થળો પાસે: 276 દુકાનો

શૈક્ષણિક સંસ્થાઓ પાસે: 186 દુકાનો

બસ સ્ટેન્ડ પાસે: 255 દુકાનો

મુખ્યમંત્રી વિજયનો આ નિર્ણય સામાજિક સુધારા તરફનું એક મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. જનતામાં લાંબા સમયથી જાહેર સ્થળોએ દારૂની દુકાનો અંગે જે રોષ હતો, તેને આ નિર્ણયથી શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

200 યુનિટ મફત વીજળી અને મહિલા સુરક્ષા
માત્ર દારૂબંધી જ નહીં, પરંતુ મુખ્યમંત્રીએ અન્ય લોકકલ્યાણકારી નિર્ણયો પણ લીધા છે. તેમણે રાજ્યના ઘરેલું ગ્રાહકો માટે 200 યુનિટ મફત વીજળી આપવાની યોજનાને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત, મહિલાઓની સુરક્ષા માટે એક ખાસ સુરક્ષા દળની રચના અને દરેક જિલ્લામાં ‘એન્ટી-ડ્રગ્સ યુનિટ’ (Anti-Drug Units) સ્થાપવાનો નિર્ણય લીધો છે જેથી રાજ્યમાં નશીલા પદાર્થોના વધતા પ્રકોપને અટકાવી શકાય.

DMK સરકાર સામે ‘વ્હાઇટ પેપર’ જારી કરવાની જાહેરાત
શપથ ગ્રહણ બાદ વિજયે અગાઉની DMK સરકાર પર નિશાન સાધતા જાહેરાત કરી હતી કે તેઓ વર્ષ 2021-2026ના સમયગાળાની નાણાકીય સ્થિતિ દર્શાવતું ‘વ્હાઇટ પેપર’ (White Paper) બહાર પાડશે. તેમણે જણાવ્યું કે રાજ્ય પર હાલ 10 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે અને તિજોરી ખાલી હોવાને કારણે જનતા પર મોટો આર્થિક બોજ આવી ગયો છે.

વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK) એ કોંગ્રેસ (Congress), ડાબેરી પક્ષો અને મુસ્લિમ લીગ (Muslim League) ના ટેકાથી રાજ્યમાં પ્રથમ ગઠબંધન સરકાર બનાવી છે.