Gujarat24

Ahmedabad: સનાથલ ગામમાં યુવકની છરીના ઘા મારી હત્યા, લગ્ન પ્રસંગના ઝઘડામાં ખેલાયો ખૂનીખેલ

Share On :

Ahmedabad News: અમદાવાદના સાણંદ તાલુકાના સનાથલ ગામમાં રવિવારે રાત્રે યુવકની છરીના તીક્ષ્ણ ઘા મારી હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો ભરતસિંહ ચૌહાણ (ઉં. વ. 31) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ લગ્ન પ્રસંગ દરમિયાન થયેલા બોલાચાલી અને મનદુઃખના કારણે આ હત્યાકાંડ બન્યો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ચાંગોદર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

પોલીસ તપાસ મુજબ તા. 10 મે 2026ના રોજ બપોરે સાંતેજ ખાતે એક લગ્ન પ્રસંગમાં મૃતક દેવેન્દ્રસિંહ અને આરોપી ચેહર બાબુભાઈ ઠાકોર વચ્ચે કાર સુધી મૂકવા જવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. આરોપીએ કાર સુધી મૂકવા જવાની ના પાડતા બંને વચ્ચે મનદુઃખ સર્જાયું હતું. ત્યારબાદ રાત્રે આશરે આઠ વાગ્યે સનાથલ ગામના મોટા ફળિયા ઠાકોરવાસ વિસ્તારમાં બંને પક્ષ વચ્ચે ફરી ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપીએ દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગા ચૌહાણ પર છરી વડે હુમલો કરતા ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજ્યું હતું.

ઘટના બાદ ચાંગોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી બે આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે અને આગળની તપાસ શરૂ કરી છે. હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.