Gujarat24

Ahmedabad News: ફતેહવાડીમાં બે કામવાળીએ તિજોરી સાફ કરી, CCTVમાં કેદ થઈ કરતૂત

Share On :

Ahmedabad: અમદાવાદના ફતેહવાડી વિસ્તારમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષોથી ઘરકામ માટે આવતા બે ઘરઘાટી મહિલાઓએ મકાનમાલિકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી અને બંનેની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ફતેહવાડી વિસ્તારમાં રહેતા અને પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરતા મહેંદીરજા મરચન્ટના ઘરે કૌસરબહેન અને પરવીનબહેન નામની બે મહિલાઓ લાંબા સમયથી ઘરકામ કરતી હતી. ગત એપ્રિલ મહિનામાં મહેંદીરજાની પત્ની પિયર ગઈ હોવાથી ઘરમાં સભ્યોની અવરજવર ઓછી હતી. આ પરિસ્થિતિનો લાભ લઈ બંને મહિલાઓએ ઘરની તિજોરીને નિશાન બનાવી હોવાનું સામે આવ્યું છે.

30 એપ્રિલના રોજ મહેંદીરજાની માતાએ તિજોરી ખોલતા અંદર રાખેલા 60 હજાર રૂપિયા રોકડા તેમજ દાગીનાનું એક પાઉચ ગાયબ હોવાનું જણાયું હતું. શરૂઆતમાં પરિવારજનો દ્વારા ઘરમાં શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ કોઈ માહિતી મળી ન આવતા શંકા વધુ ઘેરી બની હતી. ત્યારબાદ મહેંદીરજાએ બેડરૂમમાં ગુપ્ત રીતે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો હતો.

છઠ્ઠી મેના રોજ રાત્રિના સમયે સીસીટીવી ફૂટેજ તપાસતા બંને મહિલાઓ તિજોરીનું લોકર ખોલીને અન્ય દાગીનાનું પાઉચ ચોરી કરતી સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ હતી. ફૂટેજના આધારે સમગ્ર ભાંડો ફૂટતા પરિવારજનો પણ દંગ રહી ગયા હતા.

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી મહિલાઓએ કુલ 12.25 લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી હતી. ચોરાયેલા સામાનમાં અંદાજે 10 તોલાની 13 સોનાની વીંટીઓ, હીરાની બે વીંટીઓ, અઢી તોલાનો સોનાનો પેન્ડન્ટ સેટ તેમજ 60 હજાર રૂપિયાની રોકડ રકમનો સમાવેશ થાય છે.

મહેંદીરજા મરચન્ટે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા પોલીસને સોંપી બંને મહિલાઓ વિરુદ્ધ ચોરી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધી હતી અને ચોરીનો મુદ્દામાલ કબજે લેવા માટે તજવીજ શરૂ કરી છે.