Gujarat24

હવામાન વિભાગની આગાહી: રાજ્યમાં આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, જાણો ક્યા થશે માવઠા

Share On :

Gujarat Unseasonal Rain: ગુજરાતમાં ગરમી વચ્ચે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી બે મહત્વપૂર્ણ સિસ્ટમ સક્રિય બનતા તથા ભેજવાળા પવનોના પ્રવાહને કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે.

આ પરિસ્થિતિના કારણે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની સંભાવના છે. અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું મુજબ, 6 મેના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. જોકે, 7 મે થી 12 મે દરમિયાન રાજ્યમાં હવામાન મોટાભાગે શુષ્ક રહેવાની શક્યતા છે.

હાલ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર આશરે 1.5 કિલોમીટર ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે પવનની દિશામાં ફેરફાર થયો છે અને ભેજનું પ્રમાણ વધ્યું છે. તાજેતરના તાપમાનના આંકડા મુજબ રાજકોટમાં સૌથી વધુ 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં 39 ડિગ્રી અને ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ તેમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને 9 થી 12 મે દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેતાં લોકોને અસ્વસ્થતા અનુભવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.