Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલી સ્પોર્ટ્સ બાઈક ચોરીની ઘટનાઓ વચ્ચે અમદાવાદ પોલીસ (Ahmedabad Police)ની ઝોન-1 LCB ટીમે મોટી સફળતા મેળવી છે. પોલીસે મોંઘીદાટ બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય ત્રણ હજુ ફરાર છે. આ ગેંગ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં રેકી કરીને લાંબા સમય સુધી પાર્ક રહેલી બાઈકને ટાર્ગેટ કરતી હતી. પોલીસ તપાસમાં કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અને આરોપીઓ પાસેથી આશરે 13 લાખ રૂપિયાના 12 સ્પોર્ટ્સ બાઈક કબજે કરવામાં આવ્યા છે.
પોલીસના હાથમાં આવેલા આરોપીઓમાં સુનીલકુમાર ગરાસીયા, કૈલાશ ઉર્ફે રોકી રોત અને વિજેશ ઉર્ફે વિજ્જુ નનોમાંનો સમાવેશ થાય છે, જે વિવિધ નોકરીઓ કરતા હોવા છતાં ઝડપથી પૈસા મેળવવા માટે ચોરીના રસ્તે વળ્યા હતા. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર સુનીલકુમાર શહેરના પશ્ચિમ વિસ્તારોમાં જેમ કે ગુજરાત યુનિવર્સિટી, સોલા, હાઈકોર્ટ અને સાબરમતી વિસ્તારમાં બાઈક પાર્કિંગની રેકી કરતો હતો. ત્યારબાદ તે પોતાના રાજસ્થાનના સાગરીતોને બોલાવીને એક ખાસ સાધનથી હેન્ડલ લોક તોડી બાઈક ચોરી કરાવતા હતા.
ઝોન-1ના DCPના જણાવ્યા મુજબ, આરોપીઓ છેલ્લા પાંચ મહિનાથી આ પ્રકારની ચોરીઓ કરતા હતા. વ્યક્તિગત શોખ પૂરા કરવા અને ગર્લફ્રેન્ડ માટે ખર્ચા કાઢવા માટે તેઓ ખાસ કરીને સ્પોર્ટ્સ બાઈકને જ નિશાન બનાવતા, કારણ કે તેની રિસેલ વેલ્યુ વધુ મળતી હતી. તેઓ ચોરાયેલા બાઈક અડધી કિંમતે વેચવાની તૈયારીમાં હતા, પરંતુ તે પહેલાં જ પોલીસએ ઝડપી કાર્યવાહી કરીને ગેંગને પકડી લીધી છે. હાલ ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે અને સમગ્ર રેકેટને તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


