Hotel Hillock Divider Cut Controversy : વૈષ્ણદેવીથી ઝુંડાલ તરફ જતાં હોટલ હિલ્લોક પાસેના ડિવાઈડર કટને બંધ કરવાના મામલે હવે સ્થાનિક તંત્ર અને વાહનચાલકો વચ્ચે ખેંચતાણ વધી રહી છે. બંધ કરાયેલો કટ ખોલવાને બદલે તંત્ર દ્વારા હવે નજીકના ગરનાળામાંથી પસાર થતા ફોર વ્હીલર વાહનો પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગરનાળામાંથી માત્ર ટુ-વ્હીલરને જ મંજૂરી તંત્ર દ્વારા લેવામાં આવેલા નવા નિર્ણય મુજબ, હવેથી આ ગરનાળામાંથી માત્ર ટુ-વ્હીલર ચાલકો જ પસાર થઈ શકશે. ફોર વ્હીલર વાહનો માટે પ્રવેશબંધી કરી દેવામાં આવતા કાર ચાલકોએ લાંબો ફેરો ખાવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોની માંગ હતી કે હિલ્લોક હોટલ પાસેનો કટ ફરી શરૂ કરવામાં આવે, પરંતુ તેના બદલે વૈકલ્પિક રસ્તા સમાન ગરનાળા પર પણ પ્રતિબંધ મુકાતા હાલાકી વધી છે.
કટ ક્યારે ખુલશે?
જનતામાં ઉઠતા સવાલ હિલ્લોક હોટલ પાસેનો કટ બંધ હોવાને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. વારંવારની રજૂઆતો છતાં આ કટ ક્યારે ખોલવામાં આવશે તેને લઈને તંત્ર મૌન સેવી રહ્યું છે. કટ ખોલવાને બદલે અન્ય રસ્તાઓ પર નિયંત્રણો લાદવામાં આવતા લોકો પૂછી રહ્યા છે કે શું તંત્ર ટ્રાફિક સમસ્યા હલ કરવા માંગે છે કે પછી મુશ્કેલી વધારવા?
ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય તેવી ભીતિ
ફોર વ્હીલર માટે ગરનાળું બંધ થતા હવે મુખ્ય માર્ગ પર વાહનોનું ભારણ વધવાની શક્યતા છે. ખાસ કરીને પ્રવાસન સીઝન દરમિયાન આ નિર્ણય વાહનચાલકો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.


