Sanyamrang Utsav 2026: જૈન શાસનના ઈતિહાસમાં આજે એક સુવર્ણ અક્ષરે લખાય તેવો દિવસ રહ્યો. મુંબઈના બોરીવલી પશ્ચિમમાં આવેલા ચીકુવાડી મેદાનમાં આયોજિત ‘સંયમરંગ ઉત્સવ’ દરમિયાન એકસાથે 64 મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કર્યો છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ધાર્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યો હતો.

વહેલી સવારથી માનવ મહેરામણ
દીક્ષા મહોત્સવને લઈને વહેલી સવારના 4 વાગ્યાથી જ લોકોનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. હજારો ભક્તો, પરિવારજનો અને સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં વિશાળ મેદાન માનવ મહેરામણથી છલકાઈ ઉઠ્યું હતું.
આચાર્ય ભગવંતોની નિશ્રામાં વિધિ સંપન્ન
આ ભવ્ય મહોત્સવ શાંતિચંદ્રસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ આચાર્ય સોમસુંદરસૂરિજી, આચાર્ય યોગતિલકસૂરિજી, આચાર્ય કુશલચંદ્રસૂરિજી અને આચાર્ય પુણ્યસુંદરસૂરિજી સહિત અનેક સાધુ-સાધ્વીજીઓની પાવન નિશ્રામાં યોજાયો હતો. સવારે 9:30 વાગ્યે જ્યારે દીક્ષાર્થીઓને ‘રજોહરણ’ અર્પણ કરવામાં આવ્યું, ત્યારે આખું મેદાન “જૈનમ જયતી શાસનમ”ના નાદથી ગાજી ઉઠ્યું હતું.
દંપતીએ પણ સ્વીકાર્યો સંયમ માર્ગ
આ મહોત્સવમાં અધ્યાત્મ પરિવારના યુવા કાર્યકર ઋષભભાઈ અને તેમના પત્ની સોનલબેને યુવાવસ્થામાં જ સંસારિક જીવનનો ત્યાગ કરી આજીવન બ્રહ્મચર્યનો સંકલ્પ લેતા ઉપસ્થિત જનમેદની ભાવવિભોર થઈ ગઈ હતી. આ પ્રસંગે મહારાષ્ટ્રના મંત્રી મંગલ પ્રભાત લોઢાએ પણ હાજરી આપી દીક્ષાર્થીઓની ભાવનાને વંદન કર્યા હતા.

ચીકુવાડી મેદાનનો અનોખો વિક્રમ
ઉલ્લેખનીય છે કે, ચીકુવાડી મેદાન દીક્ષા મહોત્સવ માટે ઐતિહાસિક ભૂમિ બની ગઈ છે. સાત વર્ષ પહેલા અહીં 44 દીક્ષા યોજાઈ હતી અને આજની 64 દીક્ષા સાથે આ જ ભૂમિ પર કુલ 108 દીક્ષા પૂર્ણ થવાનો અનોખો આંકડો નોંધાયો છે.
પર્યાવરણ અને સ્વચ્છતાનો સંદેશ
આટલા મોટા આયોજનમાં પ્લાસ્ટિક અને ડિસ્પોઝેબલ વસ્તુઓનો ઉપયોગ ટાળીને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવામાં આવી હતી. 25 હજાર લોકોની ભોજન વ્યવસ્થામાં પણ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આગામી કાર્યક્રમ દીક્ષા ગ્રહણ કરનાર આ તમામ 64 સંયમીઓની ‘વડી દીક્ષા’ આગામી 7 માર્ચે શ્રી શાંતિચંદ્ર શતાબ્દી મહોત્સવ અંતર્ગત બોરીવલીમાં જ યોજાશે.


