Gujarat School News: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષના અંતે લેવાતી મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં આગામી 6 એપ્રિલ થી દ્વિતીય સત્રાંત એટલે કે વાર્ષિક પરીક્ષાઓ શરૂ થશે. આ વર્ષે પણ શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષાઓ માટે ‘કોમન ટાઈમ ટેબલ’ અમલમાં મૂકવામાં આવ્યું છે.
ગુજરાતની શાળાઓમાં 6 એપ્રિલથી વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ
આગામી 6 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન રાજ્યની શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં રાજ્યના ધોરણ 3 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ સામેલ થશે.
આ વર્ષે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો ફેરફાર જોવા મળશે. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માત્ર પરીક્ષાનું ટાઈમ ટેબલ જ નહીં, પરંતુ પ્રશ્નપત્રો પણ સમાન (કોમન) રાખવાનો નિર્ણય લેવાયો છે. આ વ્યવસ્થા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર રાજ્યમાં શિક્ષણ અને મૂલ્યાંકનનું સ્તર એકસમાન જાળવવાનો છે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોના વિદ્યાર્થીઓના જ્ઞાનનું સમાન માપદંડ પર મૂલ્યાંકન થઈ શકશે. હાલમાં તમામ શાળાઓને આ અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે અને શાળાઓમાં પરીક્ષાના સુચારુ આયોજન માટેની તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે.
40 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યભરમાંથી અંદાજે 40 લાખથી વધુ બાળકો આ વાર્ષિક પરીક્ષામાં બેસવાના છે. જીસીઈઆરટી (GCERT) અને શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ આ આખી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી શાળાઓએ પણ આ જાહેર કરેલા ટાઈમ ટેબલ મુજબ જ પોતાની પરીક્ષાઓનું આયોજન કરવાનું રહેશે. પરીક્ષા લક્ષી વધુ વિગતો અને વિગતવાર ટાઈમ ટેબલ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ જે-તે શાળાનો સંપર્ક કરવા અથવા સત્તાવાર પોર્ટલની મુલાકાત લેવા સૂચના અપાઈ છે.


