Expert Health Guide: મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફીથી કરતા હોય છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે જો દિવસની શરૂઆત સાચા ખોરાકથી કરવામાં આવે તો પાચનતંત્ર સુધરે છે અને દિવસભર એનર્જી લેવલ જળવાઈ રહે છે. સામાન્ય રીતે સવારે ફળ ખાવાને ઉત્તમ માનવામાં આવે છે, પરંતુ દરેક ફળની પ્રકૃતિ અલગ હોય છે. ખાસ કરીને કેળા અને ખજૂર બાબતે લોકોમાં હંમેશા મૂંઝવણ રહેતી હોય છે.
કેળા: ઇન્સ્ટન્ટ એનર્જી પણ સાવધાની જરૂરી
કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને નેચરલ શુગર પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેનાથી તુરંત શક્તિ મળે છે અને તે હૃદય તેમજ સ્નાયુઓ માટે ગુણકારી છે.
ફાયદા: ઝડપી ઉર્જા અને સરળ પાચન.
નુકસાન: ખાલી પેટે કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમનું સંતુલન બગડી શકે છે. તેમાં રહેલી શુગરને કારણે બ્લડ શુગર અચાનક વધીને ઘટી શકે છે, જે બાદમાં થાક અનુભવી શકે છે. સંવેદનશીલ લોકોને એસિડિટી કે ગેસની સમસ્યા પણ થઈ શકે છે.
ખાવાની સાચી રીત: કેળાને એકલા ખાવાને બદલે ડ્રાય ફ્રૂટ્સ, સીડ્સ કે ઓટ્સ સાથે લેવા જોઈએ.
ખજૂર: પાચન અને એનર્જી માટે શ્રેષ્ઠ વિકલ્પ
આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને ખાલી પેટે ખજૂર ખાવાને અત્યંત ફાયદાકારક માને છે. તે ફાઈબરથી ભરપૂર છે, જે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે.
ફાયદા: તે પેટ માટે હલકા છે અને એસિડિટી થવાની શક્યતા ઓછી રહે છે. ખજૂર આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને મેટાબોલિઝમ વધારે છે. તેમાં રહેલું આયર્ન એનિમિયા અને થાક દૂર કરવામાં મદદરૂપ થાય છે.
ખાવાની સાચી રીત: નિષ્ણાતોના મતે ૨-૩ ખજૂરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ખાવાથી પોષક તત્વોનું શોષણ વધુ સારી રીતે થાય છે.
શું છે વધુ સારું?
મોટાભાગના લોકો માટે ખાલી પેટે ખજૂર ખાવું એ વધુ હેલ્ધી ઓપ્શન છે, કારણ કે તે લાંબા સમય સુધી એનર્જી આપે છે અને પાચનમાં સરળ છે. જ્યારે કેળાને સવારના નાસ્તાના ભાગ રૂપે અન્ય વસ્તુઓ સાથે ખાવું વધુ હિતાવહ છે.
નોંધ: ડાયાબિટીસના દર્દીઓએ ફળોના સેવન પૂર્વે માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. કોઈપણ ફેરફાર કરતા પહેલા ડોક્ટર કે ડાયટિશિયનની સલાહ લેવી આવશ્યક છે.



