Gujarat24

આમિર ખાનની ‘પરફેક્શન’ની જીદ સની દેઓલની ફિલ્મ પર પડી ભારે? રિલીઝમાં વિલંબ પાછળનું કારણ આવ્યું સામે

Share On :

Sunny Deol’s Upcoming Film Release Date: બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાનની કાર્યશૈલી ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે તેની અસર અન્ય કલાકારોની ફિલ્મ પર પડી રહી છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તેવી સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા સ્ટારર ફિલ્મ ‘લાહોર 1947’ હવે તેના નિર્ધારિત સમય કરતાં મોડી રિલીઝ થશે. તાજેતરના અહેવાલો મુજબ, આ ફિલ્મ હવે આગામી ઓગસ્ટ મહિનામાં સિનેમાઘરોમાં દસ્તક દેશે.

રિલીઝમાં વિલંબનું મુખ્ય કારણ
વર્ષ 2023માં ધામધૂમથી જાહેર કરાયેલી આ ફિલ્મ મૂળ જાન્યુઆરી 2025માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે નિર્માતા આમિર ખાનની કાર્યપદ્ધતિને કારણે કામ લંબાઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આમિર ખાનની દરેક દ્રશ્યને ‘પરફેક્ટ’ બનાવવાની જીદ ફિલ્મના વિલંબનું મુખ્ય કારણ બની છે. આમિરની સતત દખલગીરીને કારણે ફિલ્મના અનેક મહત્વના દ્રશ્યોનું વારંવાર રી-શૂટિંગ કરવામાં આવ્યું છે. જાણવા મળ્યું છે કે ફિલ્મ લગભગ તૈયાર હોવા છતાં, આમિર ખાન હજુ પણ તેમાં નાના-મોટા ફેરફારો કરાવી રહ્યા છે, જેનાથી પ્રોજેક્ટનો સમયગાળો સતત વધી રહ્યો છે.

અંદરની ચર્ચાઓ મુજબ, આ પરિસ્થિતિથી દિગ્દર્શક રાજકુમાર સંતોષી અને મુખ્ય અભિનેતા સની દેઓલ પણ કથિત રીતે નારાજ હોવાનું જાણવા મળ્યું છે. વારંવારના ફેરફારો અને શૂટિંગના લાંબા શિડ્યુલને કારણે સર્જનાત્મક ટીમમાં અસંતોષ હોવાની અટકળો તેજ બની છે. હવે જોવાનું એ રહેશે કે આમિર ખાનનું આ પરફેક્શન ફિલ્મને બોક્સ ઓફિસ પર સફળતા અપાવે છે કે પછી વિલંબને કારણે ફિલ્મના ક્રેઝ પર તેની અસર પડશે.

પ્રીતિ ઝિન્ટાનું કમબેક
આ ફિલ્મ ખાસ કરીને પ્રીતિ ઝિન્ટાના ચાહકો માટે મહત્વની છે, કારણ કે તે આઠ વર્ષ બાદ મોટા પડદે વાપસી કરી રહી છે. સની દેઓલ અને રાજકુમાર સંતોષીની જોડી પણ વર્ષો પછી સાથે કામ કરી રહી હોવાથી ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.