Gujarat24

ગુજરાતની પર્યાવરણીય સિદ્ધિ: પોરબંદરમાં 8મો આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનાર યોજાશે, છારી ઢાંઢને મળ્યો રામસર સાઈટનો દરજ્જો

Share On :

International Wetland Seminar: ગુજરાત ફરી એકવાર પર્યાવરણીય સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ચમકવા જઈ રહ્યું છે. ગાંધીનગર સ્થિત ‘ગીર’ (GEER) ફાઉન્ડેશન દ્વારા આગામી 1 અને 2 ફેબ્રુઆરી 2026ના રોજ પોરબંદર ખાતે 8મા ‘આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ’ સેમિનાર-કમ-વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે અને રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની ઉપસ્થિતિમાં થશે. વિશ્વ વેટલેન્ડ્સ દિવસ-2026ની વૈશ્વિક થીમ “જળપ્લાવિત વિસ્તાર અને પરંપરાગત જ્ઞાન: સાંસ્કૃતિક વારસાનો ઉત્સવ” હેઠળ યોજાનારા આ સેમિનારમાં દેશ-વિદેશના પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો અને નિષ્ણાતો જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણ માટે મંથન કરશે.

નેશનલ વેટલેન્ડ એટલાસ મુજબ, ગુજરાતનો અંદાજે 3.49 લાખ હેક્ટર વિસ્તાર વેટલેન્ડ હેઠળ આવે છે, જે ભારતની કુલ વેટલેન્ડ સંપદાના 21.9 ટકા જેટલો માતબર હિસ્સો છે. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા હિસ્સામાં ફેલાયેલા આ વિસ્તારોને કારણે રાજ્ય દેશમાં અગ્રણી સ્થાન ધરાવે છે. આ મહત્વને ધ્યાને રાખીને, ગુજરાત સ્ટેટ વેટલેન્ડ અથોરિટી (GSWA)ની તાજેતરની બેઠકમાં કચ્છના ‘છારી ઢાંઢ’ ને રામસર સાઈટનો દરજ્જો મળવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત, પોરબંદરના ગોસાબારા-મોકરસાગર અને કચ્છના ફ્લેમિંગો સિટીને પણ રામસર સાઈટ તરીકે જાહેર કરવા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

પોરબંદર જિલ્લો તેના પક્ષી અભયારણ્ય અને દરિયાકાંઠાના વિસ્તારોને કારણે યાયાવર પક્ષીઓ, સમુદ્રી કાચબા અને વિવિધ દરિયાઈ જીવો માટે આશ્રયસ્થાન છે. આ સેમિનાર દ્વારા પ્રથમવાર શહેરી વેટલેન્ડ્સની ઓળખ કરી તેને શહેરી આયોજનમાં સાંકળવાનો પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. વેટલેન્ડ્સની નોડલ એજન્સી તરીકે કાર્યરત ‘ગીર’ ફાઉન્ડેશન વર્ષ 2016-17થી અત્યાર સુધી સાત સફળ આંતરરાષ્ટ્રીય વર્કશોપ યોજી ચૂક્યું છે, જે અંતર્ગત ક્ષમતાવર્ધન, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને જનજાગૃતિના કાર્યોને સતત વેગ આપવામાં આવી રહ્યો છે.