Budget 2026 Preview: કેન્દ્રીય બજેટ 2026ના કાઉન્ટડાઉન વચ્ચે દેશના વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને બજારના વિશ્લેષકોએ પોતાની અપેક્ષાઓનું ભાથું રજૂ કર્યું છે. નાણામંત્રી આ વખતે રાજકોષીય શિસ્તની સાથે વિકાસના ગિયરને ગતિ આપે તેવી બજારને પ્રબળ આશા છે. ખાસ કરીને માળખાગત સુવિધાઓ (Infrastructure), સંરક્ષણ (Defense) અને ઉત્પાદન (Manufacturing) ક્ષેત્રે સરકાર મૂડીખર્ચમાં વધારો કરીને આર્થિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના સિનિયર રિસર્ચ એનાલિસ્ટ ભાવિક પટેલે આગામી બજેટ અંગે બજારની અપેક્ષાઓ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સરકાર રાજકોષીય શિસ્ત જાળવી રાખીને માળખાગત સુવિધા (Infrastructure), ઉત્પાદન (Manufacturing) અને સંરક્ષણ (Defense) ક્ષેત્રે મૂડીખર્ચ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે તેવી બજારને આશા છે. ગયા વર્ષે જીએસટીમાં કરાયેલા ઘટાડા બાદ રોકાણકારો હાલમાં કોઈ મોટી કર રાહતની અપેક્ષા નથી રાખી રહ્યા, પરંતુ જો લાંબા ગાળાના મૂડી લાભ કર (LTCG) માં કોઈ ઘટાડો કરવામાં આવે તો તે વિદેશી સંસ્થાકીય રોકાણકારોને (FII) ભારતીય બજારમાં પાછા લાવવા માટે મહત્વનું પરિબળ બની શકે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નિકાસને પ્રોત્સાહન આપવા અને ટેરિફના અવરોધોને સરભર કરવા માટે સરકાર PLI યોજનાઓનો વ્યાપ વધારી શકે છે. ટૂંકમાં, બજારના નિષ્ણાતો કોઈ મોટા આશ્ચર્યજનક ફેરફારોને બદલે નીતિઓમાં સ્પષ્ટતા અને તેના અસરકારક અમલીકરણ પર વધુ આશા રાખી રહ્યા છે.
બીજી તરફ, શિક્ષણ ક્ષેત્રે પણ મોટા પરિવર્તનની માંગ ઉઠી છે. અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડો. નેહા શર્માના મતે, બજેટમાં શિક્ષણને માત્ર ખર્ચ તરીકે નહીં પણ ‘રાષ્ટ્રીય નવીકરણના રોકાણ’ તરીકે જોવું જોઈએ. તેમણે ટાયર ૨ અને ૩ શહેરોની સ્ટેટ યુનિવર્સિટીઓ અને ખાનગી સંસ્થાઓને વધુ અનુદાન અને ભંડોળ ફાળવવાની હિમાયત કરી છે, જેથી શૈક્ષણિક સંસ્થાઓની ક્ષમતામાં વધારો થાય અને દેશમાં પદ્ધતિસરનો સકારાત્મક પ્રભાવ ઉભો કરી શકાય.



