Gujarat24

ઈરાનમાં ઈસ્લામિક શાસન વિરુદ્ધ જનવિદ્રોહ: ખામેનેઈ સરકારની દમનકારી નીતિ, હિંસામાં 35નાં મોત

Share On :

Khamenei Targets Protesters: ઈરાનમાં વધતી જતી મોંઘવારી, કથળતું અર્થતંત્ર અને કડક સામાજિક નિયંત્રણો સામે સામાન્ય જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના શાસન વિરુદ્ધ દેશવ્યાપી દેખાવો હિંસક બન્યા છે. સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 1200થી વધુ દેખાવકારોની ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

‘શાહ અમર રહો’ના નારા સાથે રાજાશાહીનું સમર્થન
ઈરાનની જનતા હવે ઈસ્લામિક શાસનથી મુક્તિ ઈચ્છી રહી છે. પ્રદર્શનકારીઓ માત્ર વર્તમાન શાસનનો વિરોધ જ નથી કરી રહ્યા, પરંતુ ‘શાહ અમર રહો’ના સૂત્રોચ્ચાર સાથે જૂની રાજાશાહી પરત લાવવાનું સમર્થન પણ કરી રહ્યા છે. તેહરાનના પ્રખ્યાત ગ્રાન્ડ બજારમાં ધરણાં કરી રહેલા લોકો પર પોલીસે ટીયર ગેસના શેલ છોડી આંદોલનને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

ખામેનેઈની ચેતવણી અને દમનચક્ર
ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ આ આંદોલનને કચડી નાખવાની ગર્ભિત ચેતવણી આપી છે. તેમણે બે દિવસ પહેલા જ જણાવ્યું હતું કે, “દેખાવકારોને તેમની જગ્યા બતાવી દેવામાં આવશે.” આ નિવેદન બાદ સુરક્ષા દળો વધુ આક્રમક બન્યા છે અને ઠેર-ઠેર ધરપકડનો દોર શરૂ થયો છે.

2022 પછીનું સૌથી મોટું આંદોલન
નિષ્ણાતોના મતે, વર્ષ 2022માં હિજાબ વિવાદમાં મહસા અમિનીના મોત બાદ ઈરાનમાં સર્જાયેલી અશાંતિ પછીનું આ સૌથી મોટું જનઆંદોલન છે. ઈરાનના 31માંથી 27 પ્રાંતોના અંદાજે 250થી વધુ સ્થળોએ લોકો સ્વયંભૂ રસ્તા પર ઉતરી આવ્યા છે, જે દર્શાવે છે કે ઈસ્લામિક શાસન સામેનો અસંતોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે.