Russian Crude Oil : યુક્રેન સાથેના લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રશિયા પર પશ્ચિમી દેશોએ લાદેલા આર્થિક પ્રતિબંધો છતાં, રશિયાએ ઉર્જા ક્ષેત્રે જંગી કમાણી કરવાનું ચાલુ રાખ્યું છે. યુરોપીયન થિંક ટેન્કના તાજેતરના ડેટા મુજબ, યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં રશિયાએ ક્રૂડ ઓઈલ, ગેસ અને કોલસાના વેચાણ દ્વારા આખા વિશ્વમાંથી કુલ ૧.૧૬ લાખ કરોડ ડોલરની કમાણી કરી છે. આ કમાણીના જોરે જ મોસ્કો હજુ સુધી યુદ્ધ જારી રાખી શક્યું છે.
ભારત રશિયાનો બીજો સૌથી મોટો તેલ આયાતકાર
ભારતે આ સમયગાળા દરમિયાન રશિયા પાસેથી આશરે ૧૪૪ અબજ યુરો ($૧૬૮ અબજ) નું ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. આ સાથે ભારત, ચીન પછી રશિયા પાસેથી ક્રૂડ ખરીદનારો વિશ્વનો બીજો સૌથી મોટો દેશ બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેન યુદ્ધ પૂર્વે ભારતની કુલ તેલ આયાતમાં રશિયાનો હિસ્સો માત્ર ૦.૨ ટકા હતો. પરંતુ રશિયાએ આપેલા જંગી ડિસ્કાઉન્ટના કારણે હાલમાં ભારતની કુલ આયાતમાં રશિયાનો હિસ્સો ૪૦ ટકા ને વટાવી ગયો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ $૮૦-$૮૫ હતા, ત્યારે રશિયાએ ભારતને $૬૦ પ્રતિ બેરલના ભાવે તેલની ઓફર કરી હતી.
ચીન અને યુરોપીયન યુનિયન પણ રેસમાં આગળ
રશિયાના ઉર્જા સંસાધનોનો સૌથી મોટો ખરીદદાર ચીન રહ્યો છે. ચીને રશિયા પાસેથી કુલ ૩૪૨ અબજ ડોલરની ખરીદી કરી છે, જેમાં:
$૨૪૫ અબજ: ક્રૂડ ઓઈલ
$૫૦ અબજ: કોલસો
$૪૭ અબજ: ગેસ
આશ્ચર્યજનક રીતે, પ્રતિબંધોની વાતો કરનારા યુરોપીયન યુનિયન (EU) એ પણ રશિયા પાસેથી ૨૫૪ અબજ ડોલરની આયાત કરી છે. જેમાં ઓઈલ અને ગેસનો હિસ્સો લગભગ સરખો ($૧૨૩ અબજ ઓઈલ અને $૧૨૬ અબજ ગેસ) રહ્યો છે.
પ્રતિબંધો માત્ર G-7 દેશો પૂરતા મર્યાદિત
રશિયા પર અમેરિકા, યુકે, કેનેડા અને જાપાન જેવા G-7 દેશોએ નિકાસ પ્રતિબંધો લાદ્યા છે. જોકે, આ પ્રતિબંધોને યુએન સિક્યોરિટી કાઉન્સિલની મંજૂરી મળી નથી. ભારત, ચીન, ઈરાન, યુએઈ અને સાઉદી અરેબિયા જેવા દેશોએ એકતરફી પ્રતિબંધોનો વિરોધ કર્યો છે, જેના કારણે રશિયાનું આંતરરાષ્ટ્રીય વેચાણ અવિરત ચાલુ રહ્યું છે.



