From Valsad to New Jersey: અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં ગુજરાતીઓએ ફરી એકવાર પોતાની રાજકીય તાકાતનો પરિચય આપ્યો છે. મૂળ વલસાડના પુલકિત નટવરલાલ દેસાઈ પર્સિપની (Parsippany) શહેરના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સિદ્ધિ સાથે તેઓ આ શહેરના મેયર બનનારા પ્રથમ ભારતીય મૂળના વ્યક્તિ બન્યા છે.
કાંટાની ટક્કરમાં ઐતિહાસિક જીત
પુલકિત દેસાઈએ આ ચૂંટણીમાં ભારે રસાકસી બાદ વિજય મેળવ્યો છે. તેમણે તેમના નજીકના પ્રતિસ્પર્ધી જેમ્સ બાર્બેરિયોને માત્ર 80 મતોની પાતળી સરસાઈથી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ જીત બાદ સ્થાનિક ભારતીય સમુદાય અને ખાસ કરીને ગુજરાતીઓમાં ભારે આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
વલસાડથી અમેરિકા સુધીની સફર
તેઓ મૂળ વલસાડના મદનવાડના ગુલાબભાઈ કીકાભાઈ દેસાઈના પરિવારના સભ્ય છે.
પુલકિતભાઈએ વલસાડની કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ 1978માં માત્ર 12 વર્ષની વયે તેઓ અમેરિકા સ્થાયી થયા હતા.
પારિવારિક પૃષ્ઠભૂમિ: તેમના પિતા નટવરલાલ દેસાઈ અતુલ સાયનામાઇડ કંપનીમાં કાર્યરત હતા, જ્યારે માતા નયનાબેન વલસાડની શેઠ આર.જે. હાઈસ્કૂલમાં શિક્ષિકા હતા. તેમના લગ્ન વલસાડની બી.કે.એમ. સાયન્સ કોલેજના નિવૃત પ્રોફેસર રમણભાઈ દેસાઈની પુત્રી સંગીતા દેસાઈ સાથે થયા છે.
સેના અને ટેકનોલોજીમાં બહોળો અનુભવ
રાજકારણમાં પ્રવેશતા પહેલા પુલકિત દેસાઈએ વિવિધ ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
મરીન કોર્પોરેશન: તેમણે અમેરિકન મરીન કોર્પોરેશનમાં 6 વર્ષ સુધી સેવા આપી હતી.
યુદ્ધમાં ભાગ: 1990-1991 દરમિયાન તેમણે ‘ડેઝર્ટ સ્ટોર્મ’ અને ‘ડેઝર્ટ શિલ્ડ’ જેવા મહત્વના સૈન્ય ઓપરેશનોમાં ભાગ લીધો હતો.
સાઈબર સિક્યુરિટી: રાજકારણમાં સક્રિય થતા પહેલા તેઓ દાયકાઓ સુધી સાઈબર સિક્યુરિટી એક્સપર્ટ તરીકે કાર્યરત હતા.
ડેમોક્રેટિક પાર્ટીના નેતા તરીકે પુલકિત દેસાઈ હવે પર્સિપની શહેરના વિકાસની ધુરા સંભાળશે. તેમની આ સફળતા વલસાડ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવ સમાન છે.



