Agriculture in Gujarat: ગુજરાતમાં ચાલુ વર્ષે રવિ સીઝન હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા મુજબ, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 44.74 લાખ હેક્ટર વિસ્તારમાં રવિ પાકોનું વાવેતર સંપન્ન થયું છે, જે સરેરાશ વાવેતર વિસ્તારના 96 ટકા જેટલું થવા જાય છે.
ઘઉં અને ચણાનું સૌથી વધુ વાવેતર
રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘઉં અને ચણા ખેડૂતોની પહેલી પસંદ રહ્યા છે. ભારતના કુલ ઘઉં ઉત્પાદનમાં ગુજરાત મહત્વનું સ્થાન ધરાવે છે. આ વર્ષે પણ રાજ્યમાં અત્યાર સુધીમાં 13.24 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું છે. ધાન્ય પાકોની વાત કરીએ તો ઘઉં સહિત કુલ 14.83 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. ચાલુ સીઝનમાં કઠોળના વાવેતરમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને ચણાના વાવેતરે ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.
વાવેતરના મુખ્ય આંકડાઓ એક નજરે:
કુલ રવિ વાવેતર: 44.74 લાખ હેક્ટર (96% પૂર્ણ).
સરેરાશ વાવેતર વિસ્તાર (3 વર્ષ): 46.43 લાખ હેક્ટર.
ઘઉંનું વાવેતર: 13.24 લાખ હેક્ટર.
ચણાનું વાવેતર: 8.47 લાખ હેક્ટર.
કૃષિ નિષ્ણાતોના મતે, અનુકૂળ વાતાવરણ અને સિંચાઈની પૂરતી સુવિધાને કારણે આ વર્ષે વાવેતરના આંકડા સરેરાશની નજીક પહોંચ્યા છે. કઠોળના વાવેતરમાં થયેલો વધારો ખેડૂતોના બદલાતા વલણ અને કઠોળના સારા બજાર ભાવ તરફ નિર્દેશ કરે છે.



