ગુજરાત ટાઈટન્સના કેપ્ટન ગીલ અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા વચ્ચે ટકરાવની અટકળોએ જોર પકડયું હતું. ખાસ કરીને એલિમિનેટર મેચના કેટલાક વિડિયો વાઈરલ બન્યા હતા, જેમાં ગીલે ટોસ પછી હાર્દિક સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હોય તેવું લાગતું હતું. આ ઉપરાંત જ્યારે ગીલ આઉટ થયો ત્યારે હાર્દિકે જોશભેર ઉજવણી કરી હતી.
સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયેલા વિડિયો અંગે યૂઝર્સે જુદી-જુદી પ્રતિક્રિયા પર આપી હતી. સામાન્ય રીતે ક્રિકેટના સુપરસ્ટાર્સ સોશિયલ મીડિયામાં ચાલતા વિડિયો કે અટકળો અંગે કોઈ પ્રતિક્રિયા આપતાં હોતા નથી.
જોકે આ મામલે ગીલે ખાસ પોસ્ટ મુકીને ખુલાસો કરતાં આશ્ચર્ય પણ ફેલાયું હતું. ગીલે તેની અને હાર્દિકની એકસાથે ઉજવણી કરતાં હોય અને IPLમાં ટોસ સમયે ખભેખભો મિલાવીને ઉભા હોય તેવી તસવીરો પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, પ્રેમ સિવાય કશું નથી. આ પછી તેણે કૌંસમાં લખ્યું કે, ઈન્ટરનેટ પર જે જોવા મળે તે બધા પર વિશ્વાસ ન કરતો. આ પછી તેને હાર્દિકને ટેગ પણ કર્યો હતો. આમ ગીલે જાણે જાહેરમાં હાર્દિક સમક્ષ ખુલાસો કર્યો હોય તેવું લાગતું હતું.