ભારતના ડબલ ઓલિમ્પિક મેડાલીસ્ટ અને વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરાએ દોહા ડાયમંડ લીગ અંતર્ગત યોજાયેલી ભાલા ફેંકની સ્પર્ધામાં કારકિર્દીમાં 90 મીટરના મેજિકલ સીમાચિહ્નને સર કર્યું હતું. જોકે તેની કારકિર્દીનો શ્રેષ્ઠ 90.23 મીટરનો થ્રો પણ તેને દોહા ડાયમંડ લીગ જીતાડી શક્યો નહતો અને તેને રનરઅપ રહીને સંતોષ માનવો પડયો હતો. જર્મનીના જુલિયન વેબરે 91.06 મીટરના થ્રો સાથે સ્પર્ધા જીતી લીધી હતી.
આંતરરાષ્ટ્રીય ભાલા ફેંકમાં લગભગ તમામ મેજર ઈવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકેલો નીરજ કારકિર્દીમાં અગાઉ ક્યારેય 90 મીટરના અંતરને હાંસલ કરી શક્યો નહતો. જોકેચેક રિપબ્લિકના ભાલા ફેંકના લેજન્ડ જેનઝેલેઝનીના માર્ગદર્શન હેઠળની પહેલી જ સ્પર્ધામાં નીરજે તેના ત્રીજા પ્રયાસમાં 90.23 મીટરનો થ્રો કર્યો હતો, અને પોતાનો 89.94 મીટરનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડી નાંખ્યો હતો. પાંચ થ્રો સુધીની નીરજ જ આગળ હતો. જોકે છઠ્ઠા અને આખરી થ્રોમાં જુલિયન વેબ્બરે બાજી મારી હતી. યોગાનુંયોગ, નિરજની જેમ વેબરે પણકારકિર્દીમાં પહેલીવાર જ 90 મીટરના માર્કને પાર કર્યો હતો.