Unseasonal rains: ઉત્તર ભારતમાં ભારે ગરમી વચ્ચે આભ ફાટ્યું, મુશધાર વરસાદ વરસ્યો, ત્રણ રાજ્યમાં 10 લોકોનાં મોત

Unseasonal rains: ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી વચ્ચે દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં અચાનક શુક્રવારે વહેલી સવારે આંધી-તોફાન સાથે મૂશળધાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે દિલ્હીમાં 4, ઉત્તરપ્રદેશમાં 4 અને છત્તીસગઢમાં 2 સહિત કુલ 10 લોકોનાં મોત નીપજ્યાં હતા.

દિલ્હીમાં ભરઉનાળે આવેલા વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં કાચા મકાન પર ઝાડ પડતા 28 વર્ષની મહિલા અને તેના ત્રણ બાળકોના મોત થયા હતા. સૌથી નાના બાળકની ઉંમર સાત માસ હતી. શેખ સરાઈ વિસ્તારમાં ઝાડ પડી જતા અનેક કારનો કચ્ચરઘાણ થયો હતો. જયારે, એક મકાનનો ભાગ તૂટી પડયો હતો. આ સિવાય એનસીઆરમાં ઠેર ઠેર જળભરાવની તસવીરો સામે આવી હતી. દિલ્હીમાં વરસાદી પાણી ભરાઈ જવાના મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વાકયુદ્ધ જોવા મળ્યું હતું.

મહત્ત્વનું છે કે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી. જેથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. કેટલીક જગ્યાએ વીજપૂરવઠો ખોરવાયો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં આંધી-તોફાન, કરાં સાથે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અરબી સમુદ્રના પવન અને બંગાળના અખાતમાંથી ભેજનો ઉત્તર ભારતમાં સંગમ થતા અચાનક વાતાવરણ પલટાયું હતું અને ભર ઉનાળે આંધી-તોફાન સાથે મૂશળધાર વરસાદ પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *