Goa Club Fire: ગોવા (Goa) માં ચર્ચિત અને વિવાદાસ્પદ ક્લબ ‘બર્ચ બાય રોમિયો લેન’ (Birch by Romeo Lane) સામે પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડી (Enforcement Directorate – ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઈડીની પણજી ઝોનલ ઓફિસ (Panaji Zonal Office) દ્વારા મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ક્લબની અંદાજે ૧૧.૦૧ કરોડ રૂપિયાની અચલ સંપત્તિઓ કામચલાઉ ધોરણે ટાંચમાં (Attach) લેવામાં આવી છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ક્લબના ગેરકાયદેસર સંચાલન અને સરકારી પરવાનગીઓ મેળવવા માટે નકલી દસ્તાવેજોના ઉપયોગ કરવા બદલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલો ગોવાના અર્પોરા (Arpora) વિસ્તારમાં આવેલી આ હાઈ-પ્રોફાઈલ ક્લબ સાથે જોડાયેલો છે.
ભીષણ આગમાં ૨૫ લોકોના થયા હતા મોત
ઉલ્લેખનીય છે કે, ૬ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ આ ક્લબમાં એક ભીષણ અને દર્દનાક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ ભયાનક અકસ્માતમાં ૨૫ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હૃદયદ્રાવક ઘટના બાદ ગોવા પોલીસના અંજુના (Anjuna) અને માપુસા (Mapusa) પોલીસ સ્ટેશનમાં સૌરભ લૂથરા (Saurabh Luthra) તેમજ અન્ય જવાબદાર સહ-આરોપીઓ સામે ગુનાહિત માનવવધ અને છેતરપિંડીની કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં ઈડીની એન્ટ્રી થઈ હતી.
પરમિશન વિના એક જ વર્ષમાં ૨૯.૭૮ કરોડની કમાણી
ઈડીની સઘન તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ ક્લબ કોઈપણ પ્રકારની કાયદેસરની સરકારી મંજૂરીઓ વિના ધમધમી રહી હતી. ક્લબનું સંચાલન કરતી કંપની મેસર્સ બીઇંગ જીએસ હોસ્પિટાલિટી ગોવા અર્પોરા એલએલપી (M/s Being GS Hospitality Goa Arpora LLP) એ લાયસન્સ મેળવવા માટે નકલી હેલ્થ એનઓસી (Health NOC) અને નકલી પોલીસ વેરિફિકેશન સર્ટિફિકેટ જેવા બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ ઉપરાંત ક્લબનું ટ્રેડ લાયસન્સ ૩૧ માર્ચ ૨૦૨૪ ના રોજ જ સમાપ્ત થઈ ગયું હતું અને તેમની પાસે ફાયર એનઓસી (Fire NOC) પણ નહોતી. તેમ છતાં ક્લબ ગેરકાયદેસર રીતે ચાલુ રાખવામાં આવી હતી અને નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ થી લઈને અકસ્માતના દિવસ સુધીમાં ક્લબે ૨૯.૭૮ કરોડ રૂપિયાની અધધ કમાણી કરી હતી, જેને ઈડીએ ‘પ્રોસિડ્સ ઓફ ક્રાઈમ’ (Proceeds of Crime) એટલે કે ગુનાહિત કમાણી ગણાવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૨૯.૦૫ કરોડની સંપત્તિ જપ્ત કે ફ્રીઝ કરવામાં આવી છે.












