Vadodara Rural: વડોદરા ગ્રામ્યના ડભોઈ (Dabhoi) તાલુકામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ડભોઈના ભાવપુરા (Bhavpura) ગામે હાઈટેન્શન લાઈનના કામ દરમિયાન એકાએક વીજપોલ ધરાશાઈ થઈ ગયો હતો. આ ગંભીર અકસ્માતમાં ત્યાં કામ કરી રહેલા 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે અને અરેરાટી વ્યાપી ગઈ છે.
પાવરગ્રેડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતું હતું કામ
મળતી માહિતી મુજબ, ભાવપુરા (Bhavpura) ગામની સીમમાં પાવરગ્રેડ (Power Grid) કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ હાઈટેન્શન લાઈનના કેબલો નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ કામ દરમિયાન શ્રમિકો વીજ વાયરો ફિટ કરી રહ્યા હતા, તે જ સમયે અચાનક વીજપોલ ભારે લોડ અથવા અન્ય ટેકનિકલ ખામીના કારણે જોરદાર રીતે હલી ગયો હતો. શ્રમિકો કંઈ સમજે તે પહેલાં જ આખો વીજપોલ નીચે ધસી પડ્યો હતો અને શ્રમિકો તેની ચપેટમાં આવી ગયા હતા.
મૃતક શ્રમિકો પશ્ચિમ બંગાળના રહેવાસી
આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ત્રણેય શ્રમિકો મૂળ પશ્ચિમ બંગાળ (West Bengal) ના રહેવાસી હતા. તેઓ વડોદરાના ડભોઈ વિસ્તારમાં રોજગારી મેળવવા અને હાઈટેન્શન લાઈનનું મજૂરીકામ કરવા માટે આવ્યા હતા. અચાનક બનેલી આ ઘટનામાં ત્રણેય પરપ્રાંતીય મજૂરો કાળનો કોળિયો બની જતાં તેમના પરિવારો પર આભ તૂટી પડ્યું છે. ઘટનાના પગલે સ્થાનિક લોકો અને અન્ય શ્રમિકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં જ વડોદરા રૂરલ (Vadodara Rural) ની ડભોઈ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ત્રણેય મૃતકોના શવને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ કામગીરી દરમિયાન પૂરતી સુરક્ષા રાખવામાં આવી હતી કે નહીં, તેમજ કોન્ટ્રાક્ટર કે કંપનીની કોઈ બેદરકારી છે કે નહીં તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે.














