Vadodara News: વડોદરાના રહેણાંક વિસ્તારોમાં મગરો ઘૂસવાની ઘટનાઓ સતત વધી રહી છે, જે શહેરવાસીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. તાજેતરમાં, હરણી-સમા લિંક રોડ પર આવેલી પંચામૃત રેસિડેન્સીમાં મોડી રાત્રે અચાનક મગર દેખાતાં રહેવાસીઓમાં ભય અને હડકંપ મચી ગયો હતો. આ બનાવ રાત્રે 12.25 વાગ્યાના સુમારે બન્યો હતો, જ્યારે એક મગર સોસાયટીના ટુ-વ્હીલર પાર્કિંગ વિસ્તારમાં આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.
સમાચારથી અપડેટ રહેવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.
મોપેડ નીચે દેખાતા રહેવાસીઓમાં દોડધામ
પ્રાથમિક માહિતી મુજબ, ફ્લેટના એક રહેવાસીએ રાત્રે પાર્કિંગમાં પડેલા એક મોપેડ નીચે અસામાન્ય હલચલ જોઈ. નજીક જઈને તપાસ કરતાં તેમને જણાયું કે તે કોઈ સામાન્ય પ્રાણી નહીં, પરંતુ એક પુખ્ત મગર છે. આ દૃશ્ય જોતા જ સમગ્ર સોસાયટીમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોએ તરત જ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. વડોદરા શહેરની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થતી હોવાથી અનેક વિસ્તારોમાં મગરોના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાના કિસ્સાઓ અવારનવાર બનતા રહે છે.
રેસ્ક્યુ ટીમ દ્વારા ભારે જહેમત બાદ મગરને પકડાયો
ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ ટીમમાં મગર રેસ્ક્યુ માટે જાણીતા જિગ્નેશભાઈ, લાલાભાઈ, કેનાઇન ગ્રુપના પ્રમુખ વિશાલ ઠાકુર, સ્વયંસેવક વૃશાંક દીક્ષિત અને જય શાહ સહિતના નિષ્ણાતો સામેલ હતા. રેસ્ક્યુ ટીમે તાત્કાલિક મગરને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. શરૂઆતમાં મગર મોપેડ નીચે શાંતિથી બેઠેલો હતો, પરંતુ રેસ્ક્યુ ટીમ નજીક પહોંચતાં જ તે અચાનક ભાગીને એક કાર નીચે સંતાઈ ગયો હતો, જેના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં થોડો વિલંબ થયો હતો.
જોકે, ટીમે ભારે જહેમત અને કુશળતા બાદ મગરને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો. આ મગરને ત્યારબાદ વડોદરા વન વિભાગના રેસ્ક્યુ સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે. ત્યાં તેની આરોગ્ય તપાસ કર્યા બાદ તેને કુદરતી અને સુરક્ષિત નિવાસસ્થાને છોડી મૂકવામાં આવશે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધતા મગરો નદીના કિનારાથી રહેણાંક વિસ્તારોમાં આવી પહોંચી રહ્યા હોવાની શક્યતા છે.


