Rajkot-Delhi Flight: સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે, કારણ કે રાજકોટ અને દિલ્હી વચ્ચે હવે બે નવી ફ્લાઈટ્સ શરૂ કરવામાં આવી છે. આ નિર્ણયથી ઉદ્યોગકારોની સાથે પર્યટકોને પણ મોટો ફાયદો થશે. રાજકોટના મહાજનો અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઘણા સમયથી એવી માંગ કરવામાં આવી રહી હતી કે રાજકોટને દિલ્હીની સવારની કનેક્ટિવિટી મળવી જોઈએ. ભારત સરકારના એવિએશન મંત્રાલયે આ માંગને ધ્યાનમાં રાખીને લાભ પાંચમના દિવસે ઇન્ડિગો અને એર ઇન્ડિયા જેવી બે એરલાઇન્સ દ્વારા ફ્લાઈટ ઓપરેશન ચાલુ કર્યું છે.
સમાચારથી અપડેટ રહેવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.
રાજકોટ-દિલ્હી ફ્લાઈટથી સમગ્ર સૌરાષ્ટ્રના પ્રવાસીઓને થશે ફાયદો
આ બે ફ્લાઈટો સવારના સમયે દિલ્હી માટે શરૂ થવાથી રાજકોટ અને મોરબીના મહાજનો, વેપારીઓ અને ઉદ્યોગકારોની દિલ્હીની કનેક્ટિવિટી હવે સ્મૂથ બનશે. આ બંને ફ્લાઈટો યાત્રાળુઓ માટે પણ પ્રવાસ અર્થે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે નિવેદન આપ્યું હતું અને પોતે પણ આજે એર ઇન્ડિયાની પહેલી ફ્લાઈટમાં બેસીને આવવાનો અવસર મેળવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભવિષ્યના આયોજનો વિશે પણ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજકોટ અને દુબઈ વચ્ચે ફ્લાઈટ શરૂ કરવા માટેના પ્રયાસો હાલમાં ચાલી રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે આગામી સમયમાં રાજકોટથી દુબઈ માટે પણ ફ્લાઈટ શરૂ થઈ શકે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે કનેક્ટિવિટી વધશે.



