Statue of Unity Ekta Parade: અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ 31 ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી શાનદાર ઉજવણી કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર સાહેબની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અને અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આ રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીમાં માર્ગદર્શન આપશે. આ ઉજવણી દરમિયાન વડાપ્રધાને આપેલા ‘રાજ્ય અનેક-રાષ્ટ્ર એક, સમાજ અનેક-ભારત એક, ભાષા અનેક-ભાવ એક, રંગ અનેક-તિરંગા એક’ના મંત્રને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના સાથે સાકાર કરવામાં આવશે.
સમાચારથી અપડેટ રહેવા અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો.
પરેડમાં 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે
રાષ્ટ્રીય એકતા દિવસના મુખ્ય આકર્ષણ તરીકે 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે મુવિંગ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જે નવી દિલ્હીમાં દર વર્ષે 26મી જાન્યુઆરીએ યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડની પેટર્ન પર આધારિત છે. આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ 16 કન્ટીજન્ટ્સ સહભાગી થશે. આ ઉપરાંત, ઓપરેશન સિંદૂરના BSFના 16 પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં જોડાશે. વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમના 100 જેટલા સદસ્યો આ પરેડનું નેતૃત્વ કરશે.
એકતાનગર ખાતે 10 ટેબ્લો પ્રસ્તુત કરાશે
પરેડ કાર્યક્રમના પ્રારંભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરદાર સાહેબની પ્રતિમાની પદ પૂજા કર્યા પછી પરેડ અને વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આવશે ત્યારે તેમને કેન્દ્રીય સુરક્ષા દળો અને ગુજરાત પોલીસની કંટીજન્ટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાશે. એકતા પરેડમાં કર્ણપ્રિય સુરાવલિઓ રેલાવતા 9 બેન્ડ કન્ટીજન્સ જોડાવાના છે, ઉપરાંત રાજ્યકક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત સ્કૂલબેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળીને ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે. આ પરેડમાં ‘એકત્વ’ થીમ આધારિત વિવિધ ટેબ્લોઝનું નિદર્શન થવાનું છે, જેમાં જુદા જુદા રાજ્યો અને CAPF દ્વારા પોતાની વિશેષતાઓ અને સિદ્ધિઓ દર્શાવતા 10 ટેબ્લો પ્રસ્તુત કરવામાં આવશે.
11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા
વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતોની ઝાંખી કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ અવસરે યોજાશે. આ ઉપરાંત, ભારતીય વાયુસેના દ્વારા ઓપરેશન સૂર્યકિરણ અન્વયે ફ્લાય પાસ્ટ, CRPF અને ગુજરાત પોલીસની મહિલા કર્મચારીઓ દ્વારા સંયુક્ત રાયફલ ડ્રીલ, NSG દ્વારા હેલ માર્ચ, આસામ પોલીસ દ્વારા મોટરસાયકલ ડેરડેવિલ શો તેમજ BSFના ઇન્ડિયન બ્રીડનો ડોગ શો, CISF અને ITBPની મહિલા કર્મીઓ દ્વારા ટ્રેડિશનલ માર્શલ આર્ટ અને NCC કેડેટસ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. વધુને વધુ લોકો આ એકતા પરેડ નિહાળી શકે તે હેતુસર બેઠક વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અને 11,500થી વધુ લોકો પરેડ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની પણ SOU ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન
સરદાર સાહેબની જન્મજયંતિની ઉજવણી નિમિત્તે 17 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન એકતાનગર ખાતે પ્રકાશ પર્વ અન્વયે દરરોજ સાંજે 7થી 11 વાગ્યા સુધી સૌંદર્યમય લાઇટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી શકાશે. 1 થી 15 નવેમ્બર દરમિયાન ‘ભારત પર્વ 2025’નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વમાં 45 ફૂડ સ્ટોલ, 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ, વિવિધ રાજ્યોના પેવેલિયન્સ અને 28 રાજ્ય તેમજ 8 કેન્દ્રશાસિત પ્રદેશોના સાંસ્કૃતિક પ્રદર્શનો યોજાવાના છે. 15 નવેમ્બરે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની પણ SOU ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન છે. આ ઉપરાંત, 17 નવેમ્બરે સાયક્લોથોન સ્પર્ધા યોજાશે જેમાં દેશભરના 5000 જેટલા સ્પર્ધકો ભાગ લેશે.



