Gujarat24

જામનગરમાં હિટ એન્ડ રન: શાળાએ જતા 17 વર્ષના વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત!

Share On :

Gujarat Crime News

Jamnagar News: જામનગર શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે વધુ એક હૃદયદ્રાવક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જામનગરમાં શાળાએ જઈ રહેલા એક સગીર વયના વિદ્યાર્થીના બાઇકને એક બેફામ સ્પીડે આવી રહેલા પેસેન્જર ટેમ્પોના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જીને ટેમ્પો ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

શાળાએ જતા સમયે કાળ આંબી ગયો
જામનગરમાં રહેતો 17 વર્ષીય વિદ્યાર્થી અલાઉદ્દીન હોડીયા (Alauddin Hodiya) સવારના સમયે પોતાના બાઇક પર સવાર થઈને શાળાએ જવા માટે નીકળ્યો હતો. તે હજુ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક પેસેન્જર ટેમ્પો (Passenger Tempo) ના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી વિદ્યાર્થીના બાઇકને પાછળથી જોરદાર ઠોકર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે વિદ્યાર્થી પોતાના બાઇક સાથે રોડ પર જોરદાર રીતે ફંગોળાયો હતો.

ટેમ્પો ચાલક અકસ્માત સર્જી ફરાર
આ અકસ્માતમાં 17 વર્ષના અલાઉદ્દીન હોડીયાને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો બચાવ માટે દોડી આવે તે પહેલાં જ ગંભીર ઈજાઓના કારણે સગીર વિદ્યાર્થીનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. બીજી તરફ, અકસ્માત સર્જનાર પેસેન્જર ટેમ્પોનો ચાલક અકસ્માત બાદ માનવતા ભૂલીને, પોતાના વાહન સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

પરિવારમાં આક્રંદ અને પોલીસ તપાસ
આ અકસ્માતની જાણ આસપાસના લોકો દ્વારા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક વિદ્યાર્થીના વાલી વારસોનો સંપર્ક કરી અકસ્માત અંગેની જાણ કરી હતી. હજુ કલાકો પહેલા જ ઘરેથી હસતા મુખે શાળાએ જવા નીકળેલા વ્હાલસોયા દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને પરિવારમાં કરુણ કલ્પાંત વ્યાપી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી, ફરાર ટેમ્પો ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.