Ahmedabad News: ન્યૂ રાણીપ વિસ્તારમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાની બેદરકારીના કારણે એક 16 વર્ષીય પ્રતિભાશાળી વિદ્યાર્થિનીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ કરૂણ દુર્ઘટના 21 ઓક્ટોબર, 2025ના રોજ રાત્રિના સમયે ચેનપુર પાસે પટેલ ડેરી નજીક બની હતી. મહત્ત્વનું છે કે, મૃતક સગીરા, હેના મિનેશભાઇ પુરોહીત, મેઘા આર્કેડ સોસાયટીમાં રહેતી હતી અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં ધોરણ 11 (અંગ્રેજી માધ્યમ)માં અભ્યાસ કરતી હતી. હેના ભરતનાટ્યમમાં ગુજરાતમાં ટોપ સ્તરની કલાકાર હતી અને નેશનલ લેવલે જવાની તૈયારી કરી રહી હતી.
મિત્ર સાથે ઊભી હતી હેના
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટનાની રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ હેના તેની બહેનપણી માન્યા પટેલ સાથે સોસાયટીના કોર્નર પર આવેલા પટેલ ડેરી પાર્લર પાસે મોબાઈલ ફોન જોઈ રહી હતી. તે જ સમયે, ફરિયાદીની સોસાયટીમાં રહેતો નીલ હીરેનભાઈ રામી અને તેના મિત્રો શિંવાગ સંજયભાઇ ગોર તથા યશ દિપકભાઈ માલવીયા, ત્રણેય જાહેર રોડ ઉપર લોખંડ જેવી પાઇપમાં ફટાકડા મૂકીને જોખમી રીતે ફોડી રહ્યા હતા.
લોખંડની પાઇપ કપાળના ભાગે વાગી
આરોપીઓએ બે પથ્થરો વચ્ચે પાઇપ ઊભી રાખીને ફટાકડો ફોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ફટાકડો ફૂટ્યો તે જ ક્ષણે પાઇપ આડી પડી ગઈ હતી અને અત્યંત ઝડપથી ફરીને સીધી હેનાના કપાળના ભાગે વાગી હતી. ગંભીર ઈજા થતાં હેના ઘટનાસ્થળે જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડી હતી. હેનાને તાત્કાલિક સોલા સિમ્સ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ માથાના ભાગે થયેલી ગંભીર ઇજાને કારણે ૨૨ ઓક્ટોબરના રોજ સાંજે તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ત્રણ આરોપીઓની ધરપકડ
હેનાના પિતા મિનેશભાઇ પુરોહીતે આ સમગ્ર મામલે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ બેદરકારીપૂર્વક કૃત્ય કરવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં ત્રણેય આરોપીઓ બેદરકારી દાખવતા જોવા મળ્યા હતા. સાબરમતી પીઆઇ યુવરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ગુનામાં સંડોવાયેલા શિવાંગ ગોર (યુવક) અને અન્ય બે સગીર સહિત ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કરુણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે શોક અને ચકચાર જગાવી છે.



