Gujarat24

ભગવાન જગન્નાથ મામેરાથી નીજ મંદિર પરત ફર્યા: નેત્રોત્સવ વિધિ સંપન્ન, આવતીકાલે સોના વેશના દર્શન

Share On :

Sona Vesh Darshan

Ahmedabad Jagannath Temple: અમદાવાદ (Ahmedabad) ના જમાલપુર (Jamalpur) વિસ્તારમાં આવેલા ઐતિહાસિક જગન્નાથ મંદિર (Jagannath Temple) માં અષાઢી બીજના પાવન પર્વ પૂર્વે ભક્તિમય માહોલ જામ્યો છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી મોસાળથી પરત નીજ મંદિરમાં પધાર્યા છે. ભગવાનના આગમનને પગલે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરમાં ભગવાનના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી અને જય રણછોડ, માખણચોરના નારાથી મંદિર ગુંજી ઉઠ્યું હતું.

ભગવાનની શાસ્ત્રોક્ત વિધિ સાથે નેત્રોત્સવ વિધિ કરાઇ
મંદિરમાં ભગવાન પરત પધારતા જ તેમની પવિત્ર નેત્રોત્સવ વિધિ (Netrotsav Vidhi) શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે મોસાળમાં અતિથ્ય માણ્યા બાદ ભગવાનની આંખો આવી જાય છે, તેથી તેમના નેત્રો પર પાટા બાંધવામાં આવે છે. આજે સવારે આ પાટા ખોલીને વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આ વિધિના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિરના મુખ્ય મહંત દિલીપદાસજી મહારાજ (Dilipdasji Maharaj) ના સાનિધ્યમાં આ તમામ ધાર્મિક વિધિઓ વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.

આવતીકાલે સોના વેશમાં દર્શન અને ગજરાજ-રથ પૂજન
મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આગામી કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે, આવતીકાલે ભગવાન જગન્નાથજીના ભવ્ય ‘સોના વેશ’ (Sona Vesh) માં દર્શન યોજાશે, જે વર્ષમાં માત્ર એક જ વાર થાય છે. આ અદભુત સ્વરૂપના દર્શન માટે લાખો ભક્તો આતુર હોય છે. આ ઉપરાંત, આવતીકાલે સવારે મંદિરમાં પરંપરાગત રીતે ગજરાજ (Gajraj – Elephants) ની પૂજા કરવામાં આવશે. સાથે જ, રથયાત્રામાં જોડાનારા ભગવાનના ત્રણેય પવિત્ર રથો – નંદીઘોષ, તાલધ્વજ અને પદ્મધ્વજનું પણ વિધિવત પૂજન અર્ચન કરવામાં આવશે. આ વર્ષે પણ રથયાત્રાને લઈને ભક્તો અને તંત્રમાં અનેરો ઉત્સાહ છે.