Nothing Phone 4a Price Hike: ટેક બ્રાન્ડ નથિંગ દ્વારા તેના લોકપ્રિય સ્માર્ટફોન્સ Nothing Phone 4a અને Nothing Phone 4a Pro ની કિંમતોમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, છેલ્લા બે મહિનામાં સતત આ બીજી વખત છે જ્યારે કંપનીએ ભાવ વધાર્યા છે. ઑફલાઇન રિટેલ સ્ટોર્સ ને મોકલવામાં આવેલા સત્તાવાર પત્રવ્યવહાર દ્વારા આ ભાવવધારાની પુષ્ટિ થઈ છે. આ નવા આંચકા હેઠળ ‘પ્રો’ વેરિઅન્ટમાં ₹5,000 અને સ્ટાન્ડર્ડ વેરિઅન્ટમાં ₹3,000 નો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે.
શા માટે વધારવામાં આવી કિંમતો?
કંપનીએ કિંમતો વધારવા પાછળનું કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી. જો કે, માર્કેટના નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક સ્તરે રેમ અને સ્ટોરેજની ભારે અછત ચાલી રહી છે. મેમરી કમ્પોનન્ટ્સની વધતી કિંમતોને કારણે કંપની પર મેન્યુફેક્ચરિંગ કોસ્ટનું દબાણ વધ્યું છે, જેના લીધે આ નિર્ણય લેવો પડ્યો હોઈ શકે છે.
Nothing Phone 4a Pro ની નવી કિંમતો
આ પ્રીમિયમ હેન્ડસેટના ત્રણેય વેરિઅન્ટમાં ₹5,000 નો વધારો થયો છે. માર્ચ મહિનામાં આ ફોન ₹39,999 ની પ્રારંભિક કિંમતે લોન્ચ થયો હતો, પરંતુ લોન્ચિંગથી અત્યાર સુધીમાં તેમાં કુલ ₹10,000 નો વધારો થઈ ચૂક્યો છે. હવે તેનો બેઝ વેરિઅન્ટ પણ ₹50,000 ની નજીક પહોંચી ગયો છે:
8 GB + 128 GB: પહેલાં ₹44,999 -> હવે ₹49,999
8 GB + 256 GB: પહેલાં ₹47,999 -> હવે ₹52,999
12 GB + 256 GB: પહેલાં ₹50,999 -> હવે ₹55,999
બજારમાં આ ફોનની સીધી ટક્કર iQOO 15R, OPPO Reno 15 અને OnePlus 15R જેવા દમદાર સ્માર્ટફોન્સ સાથે થશે.
Nothing Phone 4a ની નવી કિંમતો
91મોબાઈલ્સ (91mobiles) ના અહેવાલ મુજબ, આ સ્ટાન્ડર્ડ મોડલ ₹31,999 માં લોન્ચ થયું હતું, જેમાં અત્યાર સુધીમાં કુલ ₹6,000 નો વધારો થયો છે. આ વખતે તેમાં ₹3,000 નો વધારો કરાયો છે:
8 GB + 128 GB: પહેલાં ₹34,999 -> હવે ₹37,999
8 GB + 256 GB: પહેલાં ₹37,999 -> હવે ₹40,999
12 GB + 256 GB: પહેલાં ₹40,999 -> હવે ₹43,999
આ પ્રાઇસ રેન્જમાં આ ફોનનો મુકાબલો Motorola Edge 70 Pro અને Vivo V70 FE સાથે થશે.














