Skin Care Tips: ઉનાળાની ઋતુમાં સૂર્યના આકરા તાપને કારણે ટેનિંગ (Tanning) થવું એ એક સામાન્ય સમસ્યા છે. તડકાના લીધે ચહેરાની સાથે હાથ-પગની ત્વચા પણ ડલ અને નિસ્તેજ થઈ જાય છે. આ ટેનિંગથી છુટકારો મેળવવા માટે લોકો બેસન (Gram Flour), હળદર (Turmeric), દહીં (Curd) અને એલોવેરા (Aloe Vera) જેવા અનેક કુદરતી ઘટકોનો ઉપયોગ કરતા હોય છે. ઘણીવાર લોકો સોશિયલ મીડિયા (Social Media) પર જોવા મળતા નુસ્ખાઓ આંખો બંધ કરીને અજમાવી લે છે, જે ક્યારેક ત્વચાને ફાયદો કરવાના બદલે મોટું નુકસાન પહોંચાડે છે. આ વિષય પર જાણીતા સ્કિન અને હેર સ્પેશિયાલિસ્ટ (Skin and Hair Specialist) ડૉ. અનુપમા બિસારિયા (Dr. Anupama Bisaria) એ જણાવ્યું છે કે કઈ વસ્તુ ત્વચા માટે શ્રેષ્ઠ છે અને કોનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. તેમણે દરેક ઘટકોને રેટિંગ પણ આપ્યા છે.
બેસન-હળદર અને દહીં-મધનું ગણિત
સામાન્ય રીતે ભારતીય ઘરોમાં ટેનિંગ હટાવવા માટે બેસન અને હળદરનો પેક સૌથી વધુ લોકપ્રિય છે. જોકે, એક્સપર્ટે આ પેકને 10માંથી માત્ર 5 નંબર આપ્યા છે. તેમના મતે, આ પેક ત્વચાને એક્સફોલિયેટ (Exfoliate) કરે છે જેનાથી થોડીવાર માટે ત્વચા પર ગ્લો દેખાય છે, પરંતુ તે ત્વચાને અંદરથી ડ્રાય એટલે કે રૂખી બનાવી શકે છે. બીજી તરફ, દહીં અને મધના મિશ્રણને ડર્મેટોલોજિસ્ટે 10માંથી 6 નંબર આપ્યા છે. દહીંમાં લેક્ટિક એસિડ (Lactic Acid) હોય છે, જે એક માઈલ્ડ એક્સફોલિયેટિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તે ધીમે-ધીમે પણ ઘણું સારું અને સુરક્ષિત પરિણામ આપે છે.
લીંબુ અને ટામેટાના ઉપયોગમાં સાવધાની
ઘણા લોકો ત્વચાનો રંગ સાફ કરવા માટે લીંબુ અને મધ લગાવતા હોય છે, પરંતુ એક્સપર્ટે આ મિશ્રણને 10માંથી માત્ર 2 નંબર જ આપ્યા છે. લીંબુ ત્વચાને એક્સફોલિયેટ તો કરે છે, પરંતુ તેની એસિડિક પ્રકૃતિના કારણે ત્વચા પર બળતરા (Irritation) થઈ શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે લીંબુ લગાવ્યા પછી જો તમે તડકામાં જાઓ છો, તો પિગમેન્ટેશન (Pigmentation) એટલે કે કાળા ડાઘની સમસ્યા વધી શકે છે. જ્યારે ટેનિંગ માટે વાપરવામાં આવતા ટામેટાના પલ્પ (Tomato Pulp) ને 10માંથી 4 નંબર મળ્યા છે. ટામેટામાં લાઈકોપીન (Lycopene) જેવા એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે, જે ધીમે-ધીમે ટેનિંગ ઘટાડે છે, પણ તેનાથી કોઈ ચમત્કારિક પરિણામની આશા રાખી શકાય નહીં.
એલોવેરા છે સૌથી બેસ્ટ, જ્યારે બેકિંગ સોડા ‘ડેન્જર ઝોન’માં
આ યાદીમાં સૌથી મોખરે એલોવેરા (Aloe Vera) છે, જેને ડર્મેટોલોજિસ્ટ ડૉ. અનુપમાએ 10માંથી 7 નંબર આપ્યા છે. સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાને કારણે ડેમેજ થયેલી અને બળતરા થતી ત્વચા માટે એલોવેરા એક સુધિંગ ઇફેક્ટ (Soothing Effect) એટલે કે ઠંડક આપવાનું કામ કરે છે. જ્યારે ત્વચા શાંત (Calm) થાય છે, ત્યારે ટેનિંગ કુદરતી રીતે ઝડપથી દૂર થાય છે. આ બધાની વચ્ચે એક્સપર્ટે બેકિંગ સોડા (Baking Soda) ને 10માંથી માઈનસ 0 (-0) નંબર આપ્યા છે. સોશિયલ મીડિયા પર ફેમસ આ હેક ત્વચા માટે અત્યંત જોખમી છે અને તેને ભૂલથી પણ ચહેરા કે ત્વચા પર ન લગાવવો જોઈએ.













