Gujarat24

ભક્તિ માર્ગ પર કાળનો પંજો: ખાટુ શ્યામ જતા સેલવાસના પરિવારને નડ્યો ભયાનક અકસ્માત

Share On :

Gujarat Highway Accident

Vadodara News: વડોદરા (Vadodara) જિલ્લાના કરજણ (Karjan) પાસે પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે (Delhi-Mumbai Expressway) પર આજે એક અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર અકસ્માત સર્જાયો છે. સેલવાસ (Silvassa) થી રાજસ્થાનના પ્રખ્યાત ધાર્મિક સ્થળ ખાટુ શ્યામ (Khatu Shyam) દર્શન કરવા જઈ રહેલા એક સુખી પરિવારને આ માર્ગ પર કાળ આંબી ગયો હતો. હાઈવે પર સાઈડમાં ઉભેલી આ પરિવારની કારને એક બેફામ ગતિએ આવી રહેલા આઈસર (Eicher) ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક ટક્કરમાં કારનો કુરચો બોલી ગયો હતો અને પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર સતત બીજા દિવસે અકસ્માતની આ ઘટના સામે આવતા હાઈવે પર સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સેલવાસનો આ પરિવાર પોતાની કાર લઈને ભક્તિભાવ પૂર્વક ખાટુ શ્યામના દર્શને નીકળ્યો હતો. મુસાફરી દરમિયાન કરજણ નજીક કોઈ કારણોસર તેમણે પોતાની કાર હાઈવેની સાઈડમાં ઉભી રાખી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઈસર ટેમ્પોના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ઉભેલી કારને પાછળથી ધડાકાભેર ઠોકી દીધી હતી.

અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર લોકો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા. આ અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જેના કારણે સમગ્ર સેલવાસ પંથકમાં અને તેમના સ્નેહીજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક પોલીસ અને એક્સપ્રેસ વેની ઈમરજન્સી મેડિકલ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી એક વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે ત્રણેય મૃતકોના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આઈસર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.