Gujarat24

હવે ખેતરમાં ઉગશે ગાડીઓનું ઇંધણ! પર્યાવરણ દિવસે ભારતનો મોટો ધમાકો

Share On :

Flex Fuel Vehicles

E85 Flex Fuel India: દેશમાં પ્રદૂષણ ઘટાડવા અને ઈંધણ ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા માટે એક મોટું કદમ ઉઠાવવામાં આવ્યું છે. વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ની સાંજે દેશમાં E85 ફ્લેક્સ ફ્યુઅલ (E85 Flex-Fuel) સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવું બળતણ સામાન્ય પેટ્રોલ કરતાં પ્રતિ લીટર ₹20 સસ્તું મળશે. દિલ્હીમાં (Delhi) તેની કિંમત ₹82.12 પ્રતિ લીટર નક્કી કરવામાં આવી છે, જે સામાન્ય પેટ્રોલની કિંમત ₹102.12 કરતાં ઘણી ઓછી છે. આ ઈંધણ સામાન્ય વાહનો માટે નથી, પરંતુ ખાસ ડિઝાઇન કરાયેલા ફ્લેક્સ ફ્યુઅલ વાહનો (Flex-Fuel Vehicles) માટે તૈયાર કરવામાં આવ્યું છે.

શું છે E85 ફ્યુઅલનું ગણિત?
કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ (Hardeep Singh Puri) ઈન્ડિયન ઓઈલ (Indian Oil – IOCL) ના આઉટલેટ પર આ ફ્યુઅલ લોન્ચ કર્યું હતું. E85 ફ્યુઅલમાં 85 ટકા ઇથેનોલ અને માત્ર 15 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે. એટલે કે 1 લીટર ઈંધણમાં 850 ML ઇથેનોલ અને 150 ML પેટ્રોલ હશે. હાલમાં સામાન્ય પેટ્રોલ પંપો પર મળતા પેટ્રોલમાં (E20) માત્ર 20 ટકા સુધી જ ઇથેનોલ મિશ્રિત હોય છે.

દિલ્હીના પૂસા રોડથી થઈ શરૂઆત
કેન્દ્રીય મંત્રીએ દિલ્હીના પૂસા રોડ (Pusa Road) સ્થિત ઈન્ડિયન ઓઈલના રિટેલ આઉટલેટ પરથી આ યોજનાની શરૂઆત કરી છે. સરકારી તેલ કંપનીઓએ શરૂઆતમાં પોતાના 48 રિટેલ આઉટલેટ્સ પર આનું વેચાણ શરૂ કર્યું છે. આગામી સમયમાં તેનો વ્યાપ વધારવામાં આવશે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2026 સુધીમાં દેશના મોટા શહેરોમાં 500 પેટ્રોલ પંપ પર અને ડિસેમ્બર 2027 સુધીમાં દેશભરના 5,000 આઉટલેટ્સ પર E85 ફ્યુઅલ ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય છે.

પર્યાવરણ અને ખેડૂતોને મોટો ફાયદો
આ નવું બળતણ આર્થિક રીતે સસ્તું હોવાની સાથે પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે તે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 61% સુધીનો ઘટાડો કરે છે. વળી, ઇથેનોલનું ઉત્પાદન ખેતી આધારિત હોવાથી દેશના ખેડૂતોની આવકમાં મોટો વધારો થશે. પીએમ નરેન્દ્ર મોદીના (Narendra Modi) માર્ગદર્શન હેઠળ ભારત હવે ‘અન્નદાતા’ માંથી ‘ઊર્જાદાતા’ બનવા તરફ આગળ વધી રહ્યું છે.

ઇથેનોલ બ્લેન્ડિંગમાં ઐતિહાસિક સફર
વર્ષ 2014માં પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ માત્ર 1.53% હતું, જે આજે વધીને 20% થઈ ગયું છે. સરકારે આ લક્ષ્યાંક સમય મર્યાદા કરતાં 5 વર્ષ વહેલો હાંસલ કર્યો છે. આ ફેરફારથી દેશે અત્યાર સુધીમાં ₹1.84 લાખ કરોડથી વધુની વિદેશી મુદ્રા (Foreign Exchange) બચાવી છે અને 302 લાખ મેટ્રિક ટન કાચા તેલની આયાત ઓછી કરવી પડી છે. સરકારનો લક્ષ્યાંક વર્ષ 2030-31 સુધીમાં કુલ ઇથેનોલ બ્લેન્ડિંગ લેવલને 26% સુધી લઈ જવાનો છે. આ નવી પહેલ ભારતના ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે અને સ્વચ્છ પર્યાવરણ તરફ આગળ વધારશે.