Ahmedabad Drug Bust: અમદાવાદ શહેરના નરોડા પોલીસ સ્ટેશનની ટીમે ડ્રગ્સની હેરાફેરી સામે એક મોટી સફળતા મેળવી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે નરોડા વિસ્તારમાં વોચ ગોઠવીને બિસ્કિટના પેકેટોની આડમાં કરોડો રૂપિયાનું ઘાતક મેથામ્ફેટામાઇન ડ્રગ્સ લઈને જતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, નાના ચીલોડા સર્કલ પાસે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા મુંબઈના એક વ્યક્તિને રોકીને તપાસ કરવામાં આવી હતી, જેમાં આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે.
બિસ્કિટના પેકિંગમાં છુપાવ્યો હતો ડ્રગ્સનો પાવડર
નરોડા પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની ઓળખ મહોમદસાજીદ મહોમદઉસ્માન શેખ, ઉંમર 48 વર્ષ તરીકે થઈ છે, જે મુંબઈના અંધેરી વેસ્ટ અને જોગેશ્વરી વેસ્ટ વિસ્તારનો રહેવાસી છે. આરોપી જ્યારે નાના ચીલોડા ગરનાળા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને આંતર્યો હતો. તેની ટ્રાવેલ બેગની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બેગમાંથી સરતાજ પંજાબી આટા બિસ્કિટ, ઓસ્માનિયા બિસ્કિટ, કરાચી બેકરી અને સનફિસ્ટ ડાર્ક ફેન્ટાસી જેવા જાણીતા બ્રાન્ડના બિસ્કિટના 5 બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સની અંદર બિસ્કિટના બદલે સફેદ રંગનો ચળકાટ ધરાવતો ઘાતક મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો પાવડર અને ટુકડા છુપાવવામાં આવ્યા હતા.
માત્ર ₹10,000 માટે કરી રહ્યો હતો કરોડોની હેરાફેરી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડ્રગ્સના આ આંતરરાષ્ટ્રીય કનેક્શનનો ખુલાસો થયો છે. આરોપી સાજીદ શેખે કબૂલાત કરી છે કે તે ક્યુબેન નામના એક નાઇજીરીયન વ્યક્તિના સંપર્કમાં હતો. આ નાઇજીરીયન હેન્ડલરના કહેવાથી તે મુંબઈથી રાજસ્થાનના જયપુર ખાતે આવેલા સિંધી કેમ્પ બસ સ્ટેશન ગયો હતો. ત્યાં તેને એક અજાણ્યા શખ્સે આ ડ્રગ્સ ભરેલી ટ્રાવેલ બેગ આપી હતી. આ જથ્થો લઈને તે વાયા અમદાવાદ થઈને પરત મુંબઈ સપ્લાય કરવા જઈ રહ્યો હતો. આ આખી સપ્લાય ટ્રીપના બદલામાં તેને માત્ર 10,000 રૂપિયા મળવાના હતા.
₹14.16 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
નરોડા પોલીસે આરોપી પાસેથી કુલ 7084.0 ગ્રામ (અંદાજે 7 કિલોથી વધુ) મેથામ્ફેટામાઇન ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 1 ગ્રામના અંદાજે 20,000 રૂપિયા લેખે આ ડ્રગ્સની કિંમત ₹14,16,80,000 થાય છે. આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા, ઓળખપત્ર અને બેગ સહિત કુલ રૂપિયા 14,16,94,820નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.












