Tribal Women Empowerment: જ્યારે સમગ્ર વિશ્વ મધર્સ ડે નિમિત્તે માતૃત્વની ભાવનાને સન્માન આપી રહ્યું છે, ત્યારે MIAM ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપિકા નીતુ જોશી દ્વારા કરવામાં આવતું સામાજિક કાર્ય કરુણા, સંવેદના અને માનવતાનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે. તેમના કાર્યોમાં આદિવાસી મહિલાઓને રોજગાર આપવાથી લઈને જરૂરિયાતમંદોની સારવાર, ભોજન વિતરણ અને પર્યાવરણ સંરક્ષણનો સમાવેશ થાય છે. સમાજ આજે આ કાર્યોને “માતૃત્વ જેવી વિચારસરણી” તરીકે જોઈ રહ્યો છે.
“હરિયાળી કા સંકલ્પ” – પ્રકૃતિ અને પ્રગતિનો સમન્વય
આ મધર્સ ડે પર ટ્રસ્ટની સૌથી ચર્ચિત પહેલ “હરિયાળી કા સંકલ્પ – પ્રકૃતિ અને પ્રગતિ સાથે” લોકો માટે પ્રેરણાનું કેન્દ્ર બની છે. ગઢચિરોલી જિલ્લામાં સુરજગઢ ઈસ્પાત પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ પહેલ પર્યાવરણ સંરક્ષણ અને ગ્રામીણ રોજગારનું એક આદર્શ મોડેલ પૂરું પાડે છે.
200થી વધુ આદિવાસી મહિલાઓને રોજગારી
લગભગ 25 એકર વિસ્તારમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં આશરે 5 લાખ છોડની ક્ષમતા ધરાવતી વિશાળ નર્સરી વિકસાવવામાં આવી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પહેલ દ્વારા અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ ગ્રામીણ અને આદિવાસી મહિલાઓને રોજગાર મળ્યો છે. અગાઉ આ મહિલાઓ પાસે સ્થિર આવકનું કોઈ સાધન નહોતું, પરંતુ હવે તેઓ આર્થિક રીતે સધ્ધર બની રહી છે.
ટેકનિકલ તાલીમ દ્વારા આત્મનિર્ભરતા
આ પ્રોજેક્ટ સાથે જોડાયેલી મહિલાઓને માત્ર રોજગાર જ નહીં, પરંતુ કૌશલ્ય વિકાસની તાલીમ પણ આપવામાં આવે છે. તેમને બીજ વાવેતર, છોડની સંભાળ, કમ્પોસ્ટ તૈયાર કરવું, માટી તૈયાર કરવી, પોલીબેગ બનાવટ, ગ્રાફ્ટિંગ અને નર્સરી મેનેજમેન્ટ જેવી ટેકનિકલ તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં આવી રહી છે.
નીતુ જોશીનો માનવતાવાદી અભિગમ
નીતુ જોશી નું માનવું છે કે વૃક્ષારોપણ એ આવતી પેઢી માટે જીવનનો આધાર છે. તેમણે જણાવ્યું કે, “વૃક્ષો માનવતાના નિઃશબ્દ રક્ષક છે. તેઓ ફળ, ઓક્સિજન અને આશ્રય આપે છે.” તેમના માટે સમાજ સેવા એ એક મિશન છે. 2020માં સ્થાપિત આ ટ્રસ્ટ આરોગ્ય, રોજગાર અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સતત કાર્યરત છે. ગઢચિરોલીના આદિવાસી પરિવારો માટે આ અભિયાન હવે આશા અને સન્માનનું પ્રતિક બની ગયું છે.





