Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુની એક સંવેદનશીલ અને માનવતાસભર કામગીરી સામે આવી છે, જેની ચર્ચા સમગ્ર પંથકમાં થઈ રહી છે. સામાન્ય રીતે પોલીસ અધિકારીઓનો કડક મિજાજ જોવા મળતો હોય છે, પરંતુ SP પ્રેમસુખ ડેલુએ એક અરજદાર વિકલાંગ દંપતી પ્રત્યે અપાર આદર દર્શાવીને પોતે જમીન પર બેસી ગયા હતા અને દંપતીના હાથે પોતાનું સન્માન સ્વીકાર્યું હતું. આ દ્રશ્ય જોઈને ત્યાં ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા અને SPની સાદગી તથા માનવતાને બિરદાવી હતી.
આ સન્માન પાછળનું મુખ્ય કારણ આ વિકલાંગ દંપતીને મળેલો ન્યાય હતો. દંપતીની જમીન અંગેનો કોઈ પ્રશ્ન લાંબા સમયથી લંબિત હતો, જેમાં SP પ્રેમસુખ ડેલુએ અંગત રસ લઈ ત્વરિત કાર્યવાહીના આદેશ આપ્યા હતા. પોલીસની યોગ્ય મધ્યસ્થતા અને કાયદાકીય કાર્યવાહીને પગલે દંપતીને તેમની જમીનના અસલ દસ્તાવેજો પરત મળ્યા હતા.
મહત્ત્વનું છે કે, વર્ષોથી અટકેલું કામ પૂરું થતા અને ન્યાય મળતા ગદગદિત થયેલા વિકલાંગ દંપતીએ SP ઓફિસ પહોંચી અધિકારીનું સન્માન કર્યું હતું અને પોલીસ વિભાગનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.


