Gujarat24

આવતીકાલે સવારે સમગ્ર ગુજરાત બે મિનિટ માટે થંભી જશે: 10:59 કલાકે સાયરન વાગશે અને 11:00 વાગ્યે શહીદોની સ્મૃતિમાં રાજ્યભરમાં પળાશે મૌન

Share On :

Martyrs’ Day 2026: ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની આહુતિ આપનારા અમર શહીદોની પુણ્યસ્મૃતિમાં આવતીકાલે, 30 જાન્યુઆરી 2026ને શુક્રવારના રોજ સમગ્ર ગુજરાતમાં ‘શહીદ દિન’ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વિશેષ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત સવારે 11 કલાકે બે મિનિટનું મૌન પાળી શહીદ વીરોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે શુક્રવારે સવારે 11 વાગ્યે શક્ય હોય તેટલા પ્રમાણમાં તમામ પ્રકારના સરકારી અને ખાનગી કામકાજ તેમજ વાહનવ્યવહારની ગતિને બે મિનિટ માટે રોકી દેવામાં આવે. જે વિસ્તારોમાં સાયરન કે તોપની વ્યવસ્થા છે, ત્યાં સવારે 10:59 થી 11:00 વાગ્યા સુધી સાયરન વગાડી મૌન પાળવાનો સંકેત આપવામાં આવશે. સાયરન બંધ થતાની સાથે જ સૌએ પોતપોતાની જગ્યાએ સ્થિર રહી શહીદોનું સ્મરણ કરવાનું રહેશે. ત્યારબાદ 11:02 થી 11:03 કલાકે ફરીથી સાયરન વાગશે, જે મૌન પૂર્ણ થયાનો સંકેત આપશે, ત્યારબાદ જ રાબેતા મુજબની પ્રવૃત્તિઓ શરૂ કરવાની રહેશે.

આ રાષ્ટ્રીય પર્વમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ જગત પણ સક્રિયપણે જોડાશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ શાળાઓ, કોલેજો અને બોર્ડ-કોર્પોરેશનમાં સ્વતંત્રતા સંગ્રામના વક્તવ્ય અને સંવાદ જેવા કાર્યક્રમો યોજાશે જેથી નવી પેઢી આ દિવસનું મહત્વ સમજી શકે. પ્રસારણ ક્ષેત્રના એકમો દ્વારા રાષ્ટ્રીય એકતા અને શહીદોની ભૂમિકા પર સાંસ્કૃતિક કાર્યક્રમો અને ડોક્યુમેન્ટરી દર્શાવવામાં આવશે. જ્યાં સાયરનની વ્યવસ્થા નથી ત્યાં પણ 11 વાગ્યે મૌન પાળવા સૂચના અપાઈ છે. રાજ્યના તમામ નાગરિકોને આ ગૌરવશાળી અવસરમાં સહયોગ આપી શહીદો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.