Mutual Consent Divorce: લગ્ન જીવનમાં સર્જાયેલા વિખવાદો બાદ જ્યારે પતિ-પત્ની પરસ્પર સંમતિથી છૂટા પડવા માંગતા હોય, ત્યારે તેમના માટે ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો અને રાહતરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હિન્દુ મેરેજ એક્ટની કલમ-13B હેઠળ સંમંતિપૂર્વકના છૂટાછેડા માટે આપવામાં આવતો 6 મહિનાનો ‘કૂલિંગ ઓફ પિરિયડ’ (વેઈટિંગ પિરિયડ) દરેક કિસ્સામાં ફરજિયાત નથી. જો દંપત્તિ વચ્ચે સુમેળની કોઈ શક્યતા ન હોય, તો કોર્ટ આ સમયગાળો રદ (Waive off) કરી શકે છે.
ફેમિલી કોર્ટનો નિર્ણય હાઈકોર્ટે રદ કર્યો
જસ્ટિસ સંગીતા કે. વિશેણ અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે એક યુવા દંપત્તિની અપીલ પર સુનાવણી કરતા આ ચુકાદો આપ્યો હતો. અગાઉ અમદાવાદની ફેમિલી કોર્ટે આ દંપત્તિની છૂટાછેડાની અરજી એ ગ્રાઉન્ડ પર ફગાવી દીધી હતી કે તેઓએ 6 મહિનાનો સમયગાળો જતો કરવાની અરજી કરી નથી અને આ સમયગાળો માત્ર ઔપચારિકતા નથી પણ સુધારાની એક તક છે. જોકે, હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આ હુકમને અયોગ્ય ગણાવી રદબાતલ ઠરાવ્યો છે.
શા માટે હાઈકોર્ટે રાહત આપી?
હાઈકોર્ટે કેસની વિગતો તપાસતા નોંધ્યું હતું કે પતિ-પત્ની લાંબા સમયથી અલગ રહે છે અને બંને મક્કમતાપૂર્વક છૂટા પડવા માંગે છે.પતિ ઉચ્ચ અભ્યાસ માટે યુકે સ્થાયી થવા માંગે છે, જ્યારે પત્ની ભારતમાં જ પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે.
બંને પક્ષો યુવાન છે અને પોતાની રીતે જીવનમાં આગળ વધવા માંગે છે. કોર્ટે નોંધ્યું કે જો છૂટાછેડાની મંજૂરી ન અપાય તો તેમની વેદના વધુ લંબાશે.
શું છે કાયદાકીય જોગવાઈ?
સામાન્ય રીતે, હિન્દુ મેરેજ એક્ટની કલમ-13B હેઠળ જ્યારે છૂટાછેડાની અરજી થાય, ત્યારે કોર્ટ 6 મહિનાનો સમય આપે છે જેથી જો દંપત્તિને ફરી સાથે રહેવું હોય તો વિચારી શકે. પરંતુ, સુપ્રીમ કોર્ટ અને હવે ગુજરાત હાઈકોર્ટના વલણ મુજબ, જો પક્ષકારો વચ્ચે સમજૂતી શક્ય જ ન હોય અને તેઓ એક વર્ષથી વધુ સમયથી અલગ રહેતા હોય, તો આ 6 મહિનાનો ઈંતજાર કરવાની જરૂર રહેતી નથી.
ચુકાદાની અસર
ગુજરાત હાઈકોર્ટના આ આદેશથી હવે એવા અનેક દંપત્તિઓને ફાયદો થશે જેઓ કાયદાકીય ગૂંચવણોને કારણે લાંબા સમય સુધી કોર્ટના ધક્કા ખાતા હતા. ખાસ કરીને જે કિસ્સાઓમાં પરસ્પર સંમતિ સધાઈ ગઈ હોય, ત્યાં હવે છૂટાછેડાની પ્રક્રિયા ઝડપી બનશે.



