ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે, ઇસરોના PSLV-C61/EOS-09 મિશન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. PSLV-C61/EOS-09 18 મે, 2025ના રોજ સવારે 5.59 વાગ્યે સતિષ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટાથી લોન્ચ થવાનું છે. આ ISROનું 101મું લોન્ચિંગ છે.
મિશનનો હેતુ
PSLV-C61 મિશન EOS-09 (RISAT-1B) સેટેલાઈટને કેરી કરી રહ્યું છે, જે એક અદ્યતન રડાર ઇમેજિંગ સેટેલાઈટ છે. આ સેટેલાઈટનું વજન 1,710 કિલોગ્રામ છે. સી-બેન્ડ સિન્થેટિક એપરચર રડાર (SAR)થી સજ્જ છે, જે તેને દિવસ અને રાત, કોઈપણ હવામાનમાં હાઈ-રિઝોલ્યુશન ફોટો લઈ શકે છે. EOS-09નો મુખ્ય હેતુ કૃષિ, વન દેખરેખ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં મદદ કરવાનો છે. ખાસ કરીને, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા જેવી તાજેતરની સુરક્ષા ઘટનાઓ પર નજર રાખી શકાય છે. સંવેદનશીલ સરહદો અને દરિયાકાંઠાના વિસ્તારો પર દેખરેખ વધારવા માટે આ સેટેલાઈટ મહત્ત્વનું છે.
ટેકનિકલ વિગતો અને લોન્ચ પ્રોસેસ
PSLV-C61 રોકેટ ISROનું એક વિશ્વસનીય લોન્ચિંગ વ્હીકલ છે. જેણે અગાઉ 100થી વધુ સફળ મિશન હાથ ધર્યા છે. આ રોકેટ વિવિધ પ્રકારના સેટેલાઈટને ભ્રમણકક્ષામાં મોકલવા માટે જાણીતું છે. આ વખતે તે EOS-09 ને 524.45 કિમી x 524.45 કિમી x 97.5° ની ભ્રમણકક્ષામાં પહોંચાડશે. લોન્ચ કરતા પહેલા રોકેટને PIFમાં એકીકૃત કરવામાં આવ્યું હતું. જ્યાં સેટેલાઈટ તેની સાથે જોડાયેલ હતો. આગળ, તેને MST લઈ જવામાં આવ્યું, જ્યાં અંતિમ તૈયારીઓ અને પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
52 સેટેલાઈટ લોન્ચ કરવાની યોજના
ISRO આગામી પાંચ વર્ષોમાં ખાનગી ક્ષેત્રના સહયોગથી 52 સેટેલાઈટનો લોન્ચ કરી શકે છે. જે રાષ્ટ્રીય સુરક્ષા, સરહદ દેખરેખ અને દરિયાકાંઠાની સુરક્ષામાં સુધારો કરશે. 2025-2030 સુધીમાં, ISRO 150-200થી વધુ સેટેલાઈટ લોન્ચ કરવાનું લક્ષ્ય રાખે છે.