Trump News: અમેરિકાને ફરીથી મહાન બનાવવા, અમેરિકા ફર્સ્ટનું સૂત્રોચ્ચાર સાથે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે અભૂતપૂર્વ બહુમતીથી પ્રમુખપદની ચૂંટણી જીતી લીધી હતી. સત્તા સંભાળ્યાના 3 જ મહિનામાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ સામે આખા અમેરિકામાં વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પની ટેરિફ સહિતની નીતિઓના વિરોધમાં શનિવારે ન્યૂયોર્ક, વોશિંગ્ટનથી લઈને ફ્લોરિડા સુધી 50 રાજ્યોમાં 10 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. 50501 આંદોલનના ભાગરૂપે અમેરિકામાં કોઈ રાજા નથી, ટ્રમ્પને જેલભેગો કરો જેવા પોસ્ટર અને બેનરો સાથે 50 રાજ્યોમાં 400થી વધુ સ્થળો પર લોકો દેખાવોમાં જોડાયા હતા.
આ સમાચાર પણ વાંચોઃ આગામી 10થી 13 મે દરમિયાન ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિથી એશિયાઈ સિંહની વસતી ગણતરી થશે, 2020માં કુલ 674 જેટલા સિંહોની વસતી નોંધાયેલી
રસ્તા પર ઉતરેલા લોકો ટ્રમ્પને અમેરિકાના લોકતંત્ર માટે જોખમી ગણાવી રહ્યા છે. તેમણે ટ્રમ્પને હીટલર સાથે સરખાવ્યો હતો અને ઈમ્પિચમેન્ટ લાવો ટ્રમ્પને કાઢો, ટ્રમ્પને જેલમાં નાંખો જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેનવરમાં હજારોની સંખ્યામાં દેખાવકારો એકત્ર થયા હતા. ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિના વિરોધમાં લોકો સૂત્રોચ્ચાર કરતા હતા કે અમારા દેશમાં કોઈ ડર નહીં, કોઈ નફરત નહીં, કોઈ આઈસીઈ નહીં, પ્રવાસીઓનું અહીં સ્વાગત છે. આ સૂત્રોચ્ચાર અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી આઈસીઈ એટલે કે ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટના વિરોધમાં હતો, જે ગેરકાયદે વસાહતીઓની અટકાયત કરી તેમની દેશમાંથી હકાલપટ્ટી કરે છે.
વોશિંગ્ટન ડીસીમાં દેખાવકારોએ ટ્રમ્પ તંત્ર પર બંધારણીય સિદ્ધાંતો, વિશેષરૂપે ન્યાયની પ્રક્રિયાના અધિકારને નબળા કરવાનો આરોપ મૂક્યો હતો. વ્હાઈટ હાઉસ બહાર દેખાવો કરી રહેલા 41 વર્ષના બેન્જામિન ડગ્લાસે કહ્યું, આ સરકાર કાયદાના શાસન અને નાગરિકો પર અત્યાચાર નહીં કરવાની મૂળ અવધારણા પર સીધો હુમલો કરી રહી છે. આ દેખાવમાં આશ્ચર્યજનક રીતે પેલેસ્ટાઈન તરફી અને ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્ચાર પણ થતો હતો.