National Highway 21 Accident: રાજસ્થાનના દૌસા જિલ્લામાં નેશનલ હાઈવે-21 પર મંગળવારે મોડી રાત્રે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. એક લગ્ન સમારોહમાં હાજરી આપીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહેલા છ આશાસ્પદ યુવાનોની કારને ટ્રકે જોરદાર ટક્કર મારતા તમામના મોત નિપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
ડિવાઈડર કૂદીને સામેની લેનમાંથી આવતા ટ્રેલર સાથે અથડાઈ કાર
મળતી માહિતી મુજબ, આ અકસ્માત કૈલાઈ પાસે સર્જાયો હતો. કાર ચાલકે અચાનક સંતુલન ગુમાવતા કાર હાઈવે પરના ડિવાઈડરને તોડીને બીજી તરફની લેનમાં ઘૂસી ગઈ હતી. આ જ સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજ્ઞાત ટ્રેલરે કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે કાર લોખંડના ભંગારમાં ફેરવાઈ ગઈ હતી અને યુવાનો અંદર જ ફસાઈ ગયા હતા.
એક જ ગામના છ રત્નો ગુમાવતા કાળાખોહ ગામમાં માતમ
અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ મૃતકો દૌસાના કાળાખોહ ગામના રહેવાસી હતા. મૃતકોની ઓળખ લોકેશ ગોવર્ધન યોગી, દિલખુશ બનવારી યોગી, મનીષ હરિમોહન યોગી, અંકિત લાલારામ બૈરવા, સમય રામસિંહ યોગી અને નવીન મહેશ યોગી તરીકે થઇ છે.
ચાર મિત્રોના મોત ઘટનાસ્થળે અથવા હોસ્પિટલ પહોંચતા જ થયા હતા, જ્યારે અન્ય બે મિત્રોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. એક જ ગામના છ યુવાનોના સામૂહિક મોતથી આખા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
પોલીસ કાર્યવાહી અને ટ્રાફિક જામ
ઘટનાની જાણ થતા જ એસપી સાગર રાણા સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોની મદદથી ક્રેન દ્વારા કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસે પૂર્વવત કરાવ્યો હતો. સિકંદરા પોલીસ સ્ટેશન દ્વારા અજ્ઞાત ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


