Panchmahal News: પંચમહાલ ACB દ્વારા ગોઠવાયેલા લાંચનાં છટકામાં હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પ્રોબેશનરી પોલીસ સબ ઈન્સ્પેક્ટર મેહુલ રમેશભાઈ ભરવાડને રૂપિયા 1 લાખ ની લાંચ લેતા ઝડપી પાડતાં પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. લાંચિયા પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેકટર દ્વારા એક ગુનામાં વોન્ટેડ જાહેર કરી, મારઝૂડ નહીં કરવા અને હેરાન નહીં કરવા માટે રૂપિયા 2.50 લાખની માંગ કરી હતી. જેમાં વાતચીતનાં અંતે રૂપિયા 1 લાખની સગવડ થતા ગોધરા ACB દ્વારા ગોઠવાયેલી લાંચના છટકામાં પ્રોબેશનરી PSI મેહુલ ભરવાડ ઝડપાઈ ગયો હતો.
સમાચારથી અપડેટ રહેવા ગુજરાત 24ના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.
હાલોલ ગ્રામ્ય પોલીસ મથકના પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેહુલ રમેશભાઈ ભરવાડે ફરિયાદી સામે હાલોલ રૂરલ પોલીસ મથક ખાતે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ જાહેર કરી મારઝૂડ નહીં કરવા તેમજ હેરાન નહીં કરવા માટે રૂપિયા 2.50 લાખની લાંચની માંગણી કરી હતી. જેમાં ફરિયાદીએ હાલમાં રૂપિયા 1 લાખની સગવડ થશે તેમ જણાવતાં જેટલા રૂપિયાની સગવડ થઈ હોય તેટલા રૂપિયા લઈ આવવા જણાવ્યું હતું. પરંતુ ફરિયાદી લાંચની રકમ નહીં આપવા માંગતા હોઈ તેઓએ ગોધરા ACBનો સંપર્ક સાધ્યો હતો. જેથી ગોધરા ACB દ્વારા સમગ્ર લાંચનું છટકું ગોઠવતાં આરોપી રૂપિયા 1 લાખ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર મામલે ગોધરા ACBએ મેહુલ ભરવાડની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.