Gujarat24

Ahmedabad: અમદાવાદ એરપોર્ટથી બેંગ્લોર જતું 2.58 કરોડનું સોનાનું પાર્સલ ગુમ, એરલાઇન્સ કંપની સામે પોલીસ ફરિયાદ

Share On :

Ahmedabad News: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બેંગ્લોર મોકલાયેલું કરોડો રૂપિયાનું સોનાનું પાર્સલ રસ્તામાં જ ગુમ થઈ જતાં ચકચાર મચી ગઈ છે. લોજિસ્ટિક્સ કંપની દ્વારા મોકલાયેલા કુલ સાત પાર્સલમાંથી સૌથી કિંમતી એક પાર્સલ બેંગ્લોર પહોંચ્યું જ નથી. આશરે 2.58 કરોડ રૂપિયાનું આ પાર્સલ ગુમ થતાં એરલાઇન કંપનીની કામગીરી પર સવાલો ઊભા થયા છે. લોજિસ્ટિક કંપનીએ એરલાઈન્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ મામલે ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા સિક્યોરિટી મેનેજર રીછપાલસિંઘ રાઠોડ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની કંપનીને 18 એપ્રિલે એક જ્વેલર્સ પાસેથી સોનાના દાગીનાના સાત પાર્સલ મળ્યા હતા, જેમાંથી એક પાર્સલમાં 2 કિલો કરતાં વધુ સોનાના દાગીના હતા. તમામ પાર્સલો ખાનગી એરલાઇન મારફતે વહેલી સવારે ફ્લાઇટ નં QP-1901 દ્વારા બેંગ્લોર મોકલવામાં આવ્યા હતા.

ફ્લાઇટ બેંગ્લોર પહોંચ્યા બાદ લોજિસ્ટિક્સ ટીમને માત્ર છ પાર્સલ જ મળતાં ગડબડ બહાર આવી હતી. અમદાવાદ એરપોર્ટના સ્ટાફે સાતેય પાર્સલ લોડ કર્યાનો દાવો કર્યો હતો, જ્યારે બેંગ્લોર સ્ટાફે એક પાર્સલ મળ્યું જ ન હોવાનું જણાવ્યું હતું. લાંબા સમય સુધી કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા, લોજિસ્ટિક્સ કંપનીએ એરલાઇન સામે બેદરકારી અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.