Ahmedabad News: અમદાવાદના ગોમતીપુરમાં એક સામાન્ય કૌટુંબિક અદાવત ઘાતક હિંસામાં ફેરવાઈ ગઈ હતી. 71 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ જયંતીભાઈ છગનભાઈ પરમાર અને તેમના પરિવાર પર પાડોશમાં રહેતા ચાર વ્યક્તિઓએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં નિવૃત્ત વૃદ્ધને પીઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે તેમના ઘરના દરવાજા અને લાઈટ મીટરને પણ નુકસાન થયું હતું.
થોડાક સમય પહેલાં શક-વહેમને લીધે બોલાચાલી થઈ હતી
મળતી માહિતી મુજબ, આ ઝઘડાની શરૂઆત થોડા મહિના પૂર્વે મણીબેન પરમાર અને પાડોશની અંજનાબેન માધુભાઈ પરમાર વચ્ચે ખોટા શક-વહેમને કારણે થયેલી બોલાચાલીથી થઈ હતી. આ પહેલા પણ પોલીસને ફરિયાદ નોંધાવી હતી. 23 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 11 વાગ્યે જયંતીભાઈની પત્ની મણીબેન સુર્યદેવને જળ અર્પણ કરી રહી હતી, ત્યારે અંજનાબેન તેમની તરફ ગમેતેમ બોલી વારંવાર ઝઘડો કરવા લાગ્યા. આ સમયે તહેવારના પ્રસંગને ધ્યાને રાખીને ચાલીના રહીશોએ બંને પક્ષોને સમજાવી મામલો શાંત કર્યો હતો.
વૃદ્ધ પર લાકડીથી હુમલો કરતા ગંભીર રીતે થયા ઈજાગ્રસ્ત
સવારના ઝઘડાની શાંતિ પછી બપોરના 4 વાગ્યે મામલો ફરી ઉગ્ર બન્યો. આ સમયે અંજનાબેનના ભાઈ વિશાલ, પિતા માધુભાઈ અને માતા લક્ષ્મીબેન જયંતીભાઈના ઘેર આવી પહોંચ્યા અને ગાળાગાળી શરૂ કરી. જયંતીભાઈના દીકરા અલ્કેશભાઈ વચ્ચે પડીને શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ વધુ ઉશ્કેરાઈ ગયા. વિશાલભાઈએ જયંતીભાઈને પીઠ પર લાકડીઓથી 2-3 ફટકા મારી દીધા, જ્યારે માધુભાઈએ તેમના ઘરના દરવાજા અને લાઈટ મીટર પર પણ લાકડીઓથી હુમલો કર્યો. ચારેય આરોપીઓએ ત્યારબાદ પરિવાર પર જઘન્ય રીતે હુમલો ચાલુ રાખ્યો.
આ ઘટનામાં આસપાસના રહીશો પણ મદદ માટે આવ્યા. ગીરીશભાઈ ગોવિંદભાઈ ચાવડા, જમિન હર્ષદભાઈ પરમાર સહિત અન્ય લોકોએ વધુ ગંભીર માર-ખોર અટકાવવા પ્રયાસ કર્યો. જયંતીભાઈની પત્ની મણીબેનની પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરતાં, ચારેય આરોપીઓ સ્થળેથી ભાગી ગયા.
આ સમગ્ર મામલે ગોમતીપુર પોલીસે જયંતીભાઈ છગનભાઈ પરમારની ફરિયાદ આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ હુમલો, ગાળાગાળી અને સંપત્તિ નષ્ટ કરવાનો ગુનો નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.



