શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વેપારીને તેની પ્રેમીકાએ ફરવા માટે રિવરફ્રન્ટ લઈ જઈને ત્યાં અવાવરૂ જગ્યા પર તેના અન્ય બે સાગરિતો સાથે મળીને માર મારીને તેની પાસેથી રૂપિયા ૭.૪૫ લાખની રોકડની લૂંટ કરી હતી. આ મામલે રીવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી યુવતીને આર્થિક સંકડામણ હોવાથી તેણે તેના સાગરિતો સાથે મળીને સમગ્ર કાવતરૂ રચ્યુ હતું.
મળતી માહિતી મુજબ, ચાંદલોડિયામાં રહેતા ધર્મેશભાઈ પંચાલ મિસ્ત્રી કામ કરે છે. તેમણે છ મહિના પહેલા તેમની માતાના નામનું ઓઢવમાં આવેલુ મકાન 22 લાખ રૂપિયામાં વેચાણ કર્યું હતું. જે પૈકીના કેટલાંક નાણાં લોનના તેમજ તેમના મિત્રોને ચુકવ્યા હતા અને તેમની પાસે રૂપિયા 7.45 લાખ વધ્યા હતા જે તેમની પાસે રાખ્યા હતા. તેમને એક વર્ષ પહેલા પ્રિયા દાંતણિયા (મારવાડીની ચાલી, માધુપુરા)નામની મહિલા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
ગત રવિવારે પ્રિયાએ ધર્મેશભાઈને ફોન કરીને તેના ઘરે મળવા બાલાવ્યા હતા અને ત્યાંથી પાલડીથી જમીને સાંજના સમયે ડફનાળા તરફ રીવરફ્રન્ટ પર ગયા હતા. આ સમયે ધર્મેશભાઈ પાસે 7,45 લાખની રોકડ હતી. રાતના આઠ વાગે ધર્મેશભાઈ અને પ્રિયા વોક વે પર હતા ત્યારે ત્યાં હાજર બે શખ્સો શંકાસ્પદ હોવાથી ધર્મેશભાઈ ત્યાંથી ચાલવા લાગ્યા હતા. ત્યારે પ્રિયાએ બુમ પાડીને બે વ્યક્તિઓને કહ્યું હતુ કે તે ભાગી જશે. તેની પાસેથી બેગ લઈ લો. બાદમાં બે યુવકો અને પ્રિયા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસે ગુનો નોંધીને પ્રિયા તેમજ તેના બે સાગિરત રૂબિન અને ઋષીને ઝડપી લીધા હતા.