Gujarat24  /  Gujarat  /  Vadodara  /  

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં વકીલ અને પોલીસ સામસામે, વકીલને મહિલા પોલીસ અધિકારીએ લાફા ઝીંકી દેવાના આક્ષેપ સાથે કોર્ટ સંકુલમાં હોબાળો

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાં પોલીસે વકીલને થપ્પડ માર્યાનો આરોપ લગાવાયો છે. અહીંની દિવાળીપુરા કોર્ટ પરિસરમાં પોલીસ અને વકીલો આમને સામને થઈ ગયા હતા. વકીલે ગંભીર આક્ષેપો કર્યા કે પીઆઈસીએચ આસોદરાએ તેમને બે લાફા જીક્યા હતા.

મળતી માહિતી મુજબ, અમદાવાદના વકીલ શેખ મહમ્મદ આદિલ આરોપીને સરેન્ડર કરાવવા કોર્ટ પહોંચ્યા હતા. બાદમાં ગોરવા પોલીસ મથકના સેકન્ડ મહિલા પીઆઈ અને અમદાવાદના વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. સ્થિતિ વણસ્યા બાદ પોલીસે થપ્પડ મારી હોવાનો આરોપ લગાવાયો છે. આ પછી તાત્કાલિક ધોરણે પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની પણ તેમણે માંગણી કરી હતી.

અમદાવાદથી ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ એક આરોપીને કોર્ટમાં સરન્ડર કરાવવા માટે આવ્યા હતા. કોર્ટ કાર્યવાહી બાદ બહાર નિકળતા હતા તે દરમિયાન ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા સેકન્ડ પી.આઇ સી.એચ.આસુન્દ્રા તથા અન્ય એક પોલીસ કર્મી દ્વારા એડવોકેટ સાથે ગેરવર્તણૂક કરી લાફા ઝીંકી દેવાના મામલે વડોદરા સહિત રાજ્યના વકીલોમાં પોલીસ અધિકારી અને કર્મીઓ વિરુદ્ધ આક્રોશ જોવા મળ્યો છે.