Surat News: રાંદેર, અડાજણ અને પાલમાં ફરજ બજાવતા એસીપી બી. એમ. ચૌધરીએ અનુસુચિત જનજાતિના સભ્ય ન હોવા છતાં પ્રમાણપત્ર મેળવી ખોટી રીતે સરકારી નોકરી અને બઢતી મેળવી હોવાની ચોંકાવનારી હકીકતો ઉજાગર થયા હતા. બાદ રાજ્યના ગૃહ વિભાગે ખાતાકીય તપાસ સાથે તેમને ડિસ્ચાર્જ કર્યા હતા. હવે આ મુદ્દે ઉમરા પોલીસ મથકમાં સમાજ કલ્યાણ અધિકારીએ એસીપી ચૌધરી વિરુધ્ધ ફરિયાદ આપતાં તેમની સામે ગુનો દાખલ થયો છે. પોલીસ હાલ આ અધિકારી સામેના વધુ પુરાવાઓ એકત્રિત કરી રહી છે.
ઉમરા પોલીસના જણાવ્યા મુજબ, જિલ્લા પંચાયત કચેરીના સમાજ કલ્યાણ અધિકારી મુકેશ નરોત્તમ ગામિતે (રહે, રામકુવા, જિ.તાપી) હાલ ડિસ્ચાર્જ એવા એસીપી બાપુભાઈ મોતીભાઈ ચૌધરી વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ અનુસાર, એસીપી ચૌધરીએ ૨૬ જુલાઇ 1990 વર્ષમાં અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્રના આધારે પોલીસ વિભાગમાં નોકરી અને ક્રમશ બઢતીના લાભ મેળવ્યા છે. ચૌધરીએ ખોટા પુરાવા ઉભા કરી અધિકારીને ગેરમાર્ગે દોરી અનુસુચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવ્યું છે. ચકાસણી બાદ પ્રમાણપત્ર રદ કરવાની ફરિયાદ આદિજાતિ વિકાસ ટ્રસ્ટ ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારગીએ જાન્યુઆરી 2021માં તકેદારી આયોગમાં કરી હતી.
આ ફરિયાદના આધારે ગાંધીનગર વિજીલન્સ અને વિભાગીય વિશ્લેષણ સમિતીએ તપાસ હાથ ધરી હતી. બંને સમિતિએ એસીપી ચૌધરીને પોતે અનુસુચિત જનજાતિના સભ્ય હોવાના પુરાવા રજુ કરવા અને સાબિત કરવાનું જણાવ્યું હોવા છતાં તેમણે પોતાનું પ્રમાણપત્ર રજુ કર્યું ન હતું. વિજિલન્સ વિભાગે ત્યારબાદ તેમનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર રદ કરવા સમાજ કલ્યાણ વિભાગને અભિપ્રાય આપ્યો હતો. રાજયના ગૃહ વિભાગે એસીપી ચૌધરીને નોકરીમાંથી ડિસ્ચાર્જ કરવાનો હુકમ કર્યો હતો. સુરતના સમાજ કલ્યાણ અધિકારી મુકેશ નરોત્તમભાઈ ગામિતની પોલીસ ફરિયાદ બાદ હાલ એસીપી ચૌધરી ભુગર્ભમાં જતા રહ્યા હોવાનું સામે આવ્યું છે.